તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પ્રેમી સાથે લગ્ન કરવા લોકરક્ષકની નોકરી છોડી, પતિએ છ માસમાં છૂટાછેડા માગ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુઆરીમાં લગ્ન કરનાર સુશિક્ષિત યુવતીને પતિ, સાસુ, નણંદે આપ્યો ત્રાસ

ઘરેલુ હિંસાના વધુ એક બનાવની મોરબી રોડ, રાધામીરા પાર્કમાં છેલ્લા બે મહિનાથી માતા-પિતા સાથે રહેતી જીજ્ઞા નામની યુવતીએ મોરબીના સનાળા રોડ પર પંચવટી સોસાયટી-1માં રહેતા પતિ જયદીપ પ્રવીણભાઇ ચૌહાણ, સાસુ સરિતાબેન, નણંદ ફાલ્ગુનીબેન સામે ફરિયાદ નોંધાવી છે.

બી.કોમ સુધીનો અભ્યાસ કરનાર જીજ્ઞાની ફરિયાદ મુજબ, તેને જયદીપ સાથે ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો. પોતે મહિલા લોકરક્ષક તરીકે પસંદ થતા આણંદ ખાતે ટ્રેનિંગમાં હતી. તે સમયે જયદીપે તું નોકરી મૂકી દે અને ઘર સંભાળ, લગ્ન બાદ તારે બીજી પરીક્ષાની તૈયારી કરવી હોય તે કરજે તેમ કહ્યું હતું. જેથી બંનેએ ગત નવેમ્બર મહિનામાં અમદાવાદ ખાતે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યાર બાદ ગત જાન્યુઆરીમાં રીતિરિવાજ મુજબ બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્નના એક મહિના બાદ પોતે લોકરક્ષકની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.

ત્યાર બાદ પોતે પતિ, સાસુ અને નણંદ સાથે રહેતી હોય થોડા જ સમયમાં સાસુ તું તારા બાપના ઘરેથી ભાગીને આવી છો, અહીં અમે કહીએ તેમ રહેવાનું તેવા મેણાંટોણાં મારતા હતા. સાથે નણંદ પણ તારામાં સંસ્કાર નથી, હું કહુ તેમ કરવાનું તેમ કહી માર મારતી હતી. સસરાનું સ્કૂટર લઇ જાવ તો સાસુ-નણંદ તારા બાપને ત્યાંથી સ્કૂટર લઇ આવ, આ સ્કૂટર તારે નહિ વાપરવાનું કહેતા હતા. સાસુ-નણંદના ત્રાસ બાદ પોતે પતિ સાથે રાજકોટ ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. અહીં પતિ પણ દારૂ પીને આવી પોતાને માર મારી બળજબરી કરી શારીરિક સંબંધ બાંધતો હતો. જેના ત્રાસથી પોતાની તબિયત બગડતા પતિ પોતાને તરછોડી મોરબી તેની માતા પાસે જતો રહ્યો હતો.

બાદમાં પતિ જયદીપને ફોન કરતા તેને તારી સાથે મારે રહેવું નથી કહી ગાળો ભાંડી હતી અને છૂટાછેડા આપી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહિ કોઇ મહેશ રાજપૂતનું નામ લઇ તારો સામાન ઘરમાંથી ફેંકવા માટે પાંચ જ મિનિટ થશે તેવી ધમકી આપી ફોન કાપી નાખ્યો હતો. આમ બે મહિનાથી પતિ જયદીપે પોતાની દરકાર નહીં કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મકાનમાલિકને કહ્યું આ મારી પત્ની નથી, સામાન ફેંકી દયો
રાજકોટમાં પતિ જયદીપ પોતાને તરછોડી ભાગી ગયા બાદ તેને મકાનમાલિકને ફોન કર્યો હતો. પતિ જયદીપે મકાનમાલિકને ફોનમાં જીજ્ઞા મારી પત્ની નથી, તેનો સામાન ઘરમાંથી બહાર ફેંકી દો, હું આવવાનો નથી તેમ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...