વિરોધ:રાજકોટમાં મનપાના વિરોધપક્ષના નેતાએ આવાસ યોજના, સ્માર્ટ સિટી, જન્મ-મરણની માહિતી સહિતના પ્રશ્નોને લઈ મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં ધરણા કર્યા

રાજકોટ20 દિવસ પહેલા
મનપા કમિશનર સામે જ વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી ધરણા પર બેઠા હતા.
  • વોર્ડ નં.15માં ધાર્મિક સ્થળો આસપાસ ગંદુ પાણી ભરાવાની સમસ્યા ફરિયાદ કરી

રાજકોટ મનપામાં વિપક્ષ અને કમિશનર વચ્ચે ચાલતા શીત યુદ્ધના પડઘા ઘેરા બન્યા છે. આવાસ યોજના, સ્માર્ટ સિટી, જન્મ-મરણની માહિતી સહિતની રજુઆતો અને પત્રોના જવાબ ન અપાતા હોવાથી આજે વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરમાં ધરણા કરવા પહોંચ્યા હતા. સાથે કોંગ્રેસના ચાર કોર્પોરેટરોએ વોર્ડ નં.15માં ધાર્મિક સ્થળો આસપાસ ચાર-ચાર ઇંચ જેટલું ગંદુ પાણી ભરાવાની સમસ્યા ન ઉકેલીને શાસકો અને અધિકારીઓ પ્રજાદ્રોહ કરી રહ્યાની ફરીયાદ પણ કરી છે.

ભાનુબેને કમિશનરની ચેમ્બરમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા
ભાનુબેન સોરાણીએ આક્ષેપો કર્યા હતા કે, છેલ્લા કેટલાક મહિનાથી લખેલા અનેક પત્રના જવાબ કે માહિતી કમિશનર આપતા નથી. જનરલ બોર્ડના એક દિવસ અગાઉ કોંગ્રેસે આ ધરણાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. જોકે આ મુદ્દે કમિશનરની ચેમ્બરમાં રજૂઆત કરવા પહોંચી ત્યારે કમિશનરે પત્રોના જવાબ આપી દીધા હોવાનો ઉડતો જવાબ આપ્યો હતો. આવાસ યોજના, સ્માર્ટ સિટી, ગોપાલ ડેરી, જન્મ-મરણ વિભાગની માહિતી દિવસ સાતમાં ન મળતા ધરણા કરવા પહોંચી હતી. ત્યારે રજૂઆત પૂર્ણ થયે ખુદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જન્મ-મરણ વિભાગની, ગોપાલ ડેરી, આવાસ યોજના વિભાગ અને સ્માર્ટ સિટીની માહિતીની વિગતો આપી હતી.

ભાનુબેન સોરાણી કમિશનર ચેમ્બરમાં પ્રશ્નોના બેનર સાથે પહોંચ્યા હતા.
ભાનુબેન સોરાણી કમિશનર ચેમ્બરમાં પ્રશ્નોના બેનર સાથે પહોંચ્યા હતા.

કોઈ પણ પદાધિકારી અને કોર્પોરેટરને માહિતી આપવા માટે સ્પષ્ટતા કરી હતી
વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ પદાધિકારી અને કોર્પોરેટરને માહિતી આપવા માટે સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ વિભાગની માહિતી અને રેકોર્ડનો અભ્યાસ કોઈ પણ સમયે કરી શકે છે. તેમજ મોટા પ્રમાણમાં માહિતી મેળવવાની થતી હોય તો અમોને જાણ કરી મેળવી શકે છે. ત્યારે મને માહિતીની વિગતો આપતા પત્ર પાઠવી કમિશનરે કાર્યદક્ષતા દાખવી અને આવી ને આવી કામગીરી જો મહાનગરપાલિકાના તંત્રની તમામ શાખા દ્વારા કરવામાં આવે તો ઘણી જ બાબતે વહીવટી સરળતા મેળવી શકાય.

કમિશનરે ભાનુબેનને માહિતી આપી.
કમિશનરે ભાનુબેનને માહિતી આપી.

અધિકારીઓએ કમિશનરને ઉલ્ટા ચશ્મા પહેરાવવાનું બંધ કરવું જોઈએઃ ભાનુબેન સોરાણી
વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ માહિતીની વિગતો સત્વરે અને સંતોષકારક આપવામાં આવશે તેવી ખાતરી મ્યુનિસિપલ કમિશનરે આપી છે. ત્યારે હવે પછી આ માહિતીઓ બાબતે મ્યુનિસિપલ કમિશનરની સામે બેસવું પડે તેવી રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ નોંધ લેવી જોઈએ. અધિકારીઓએ કમિશનરને ઉલ્ટા ચશ્મા પહેરાવવાનું બંધ કરવું જોઈએ. સાથે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી ન આપવી જોઈએ.