કામ કરવામાં તારીખ ન જાળવી:લક્ષ્મીનગર અન્ડરબ્રિજ 10મી સુધીમાં નહિ બને, 13મી પછી લોકાર્પણમાં કમુરતાં નડશે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુહૂર્ત જાળવવા જાન્યુઆરી સુધી બ્રિજ ખૂલશે નહિ
  • રેલવેના ઈજનેરો સાથે મ્યુનિ. કમિશનરે બેઠક બોલાવી, કામ પૂરા કરવા સમજાવશે

રાજકોટ શહેરમાં બની રહેલા લક્ષ્મીનગર અન્ડરબ્રિજને 10 ડિસેમ્બર સુધીમાં તૈયાર કરી નાખવા માટે સૂચનાઓ આપી હતી અને મનપાએ તારીખ પણ જાહેર કરી દીધી હતી પણ હવે રેલવે તરફથી આટલા દિવસોમાં કામ થશે નહિ તે કહીને હાથ ઊંચા કરી હજુ 10 દિવસ માગ્યા છે પણ જો વધુ 10 દિવસ અપાય તો લોકાર્પણ માટે 1 મહિનો રાહ જોવી પડશે તેવી સ્થિતિ થશે કારણ કે, પદાધિકારીઓ કમુરતામાં લોકાર્પણ કરવા દેશે નહિ!

ડિસેમ્બર મહિનામાં 13 તારીખ સુધી અલગ અલગ સારા મુહૂર્તો છે ત્યારબાદ મકરસંક્રાંતિ સુધી કમુરતાં ચાલશે ત્યાં સુધીમાં લગ્ન જેવા શુભકાર્યો કરાતા નથી. લક્ષ્મીનગર અન્ડરબ્રિજમાં પણ આ તારીખોને લીધે સમસ્યા સર્જાઈ છે. 10 ડિસેમ્બર છેલ્લી તારીખ અપાઈ હતી જેથી તેના પછીના બે દિવસમાં તૈયારીઓ કરીને લોકાર્પણ થઈ શકે પણ હવે ત્યાં સુધીમાં બ્રિજ પૂરો નહિ થાય. બીજા 15 દિવસ આપી દેવાય તો કામ 25 ડિસેમ્બર સુધી ચાલશે પણ ત્યારે કમુરતાં ચાલતા હોવાથી પદાધિકારીઓ લોકાર્પણ કરવાની ના પાડશે.

મકરસંક્રાંતિ પછી ફરી શુભમુહૂર્ત શરૂ થશે પણ ત્યારે લોકાર્પણ કરવા નહિ દેવાય કારણ કે, 26મી જાન્યુઆરીએ આ બ્રિજનું પણ રાજ્યવ્યાપી લોકાર્પણના કાર્યક્રમોમાં સમાવેશ કરાય તેવી પણ શક્યતા છે. જો પદાધિકારીઓ ખરેખર લોકોપયોગી કામોને ઝડપથી લોકો સુધી પહોંચાડવા માગતા હશે તો તે કાર્યને પણ શુભ માનીને લોકાર્પણ કરવાની નિયત રાખવી પડશે. બ્રિજ તૈયાર થયા પછી પણ લોકાર્પણના વાંકે લોકોને સુવિધા મળવામાં વિલંબ થવાની સંભાવના છે.

આમ્રપાલી બ્રિજ જેટલી ઝડપથી કામ ન થઈ શક્યું
શહેરના આમ્રપાલી બ્રિજને સમયસર પૂરો કરવામાં મનપાને સફળતા મળી હતી. આ દરમિયાન ટ્રાફિક ન થાય તે માટે એરપોર્ટ ફાટક પણ પહોળું કરી દેવાયું હતું. પણ આ રીતનું સંકલન હાલ ચાલી રહેલા બ્રિજમાં જરા પણ દેખાયું નથી. લોકો ટ્રાફિકથી પરેશાન થઈ રહ્યા છે જ્યારે બ્રિજના કામોમાં ક્યારેક કોરોના તો ક્યારેક ચોમાસાનું બહાનું કાઢીને સમય વધારવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા લક્ષ્મીનગર અન્ડરબ્રિજ તૈયાર થવાનો છે અને સૌથી છેલ્લે કે.કે.વી. બ્રિજ ત્યાં સુધીમાં હજુ બે વર્ષ લાગી જશે.

અન્ય સમાચારો પણ છે...