તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં ફરી મોતની આગ:રાજકોટ અગ્નિકાંડઃ ICU વોર્ડમાં 5 દર્દી ભડથું, સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી ને કહ્યું- આ અત્યંત આઘાતજનક ઘટના અને આ કાંઈ પહેલી નથી, હોસ્પિટલનો 3થી 4 દિવસમાં રિપોર્ટ આવશે

રાજકોટ8 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
હોસ્પિટલના અન્ય વોર્ડમાંથી બચાવીને દર્દીઓને ઉદય હોસ્પિટલની બીજી બ્રાન્ચમાં ખસેડાયા. - Divya Bhaskar
હોસ્પિટલના અન્ય વોર્ડમાંથી બચાવીને દર્દીઓને ઉદય હોસ્પિટલની બીજી બ્રાન્ચમાં ખસેડાયા.
  • ખાનગી હોસ્પિટલમાં 33 દર્દી હતા દાખલ, 28 દર્દીને બચાવી લેવાયા
  • ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં FSLની ટીમે તપાસ કરી

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું હતું કે આ અત્યંત આઘાતજનક ઘટના છે અને આ કાંઈ પહેલી નથી. સુપ્રીમ કોર્ટે, સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો, જે પણ આના માટે જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. જસ્ટિસ શાહે નોંધ કરીઃ કોઈપણ દુર્ઘટનાનું માત્ર કારણ આપીને સંતોષ માણી ન લો, આની કિંમત આપણે આવી દુર્ઘટનાઓના પુનરાવર્તનથી ચૂકવવી પડી રહી છે. તમે આવી ઘટનાના મૂળમાં જવું જોઈએ, સાચું કારણ શોધવું જોઈએ. અમદાવાદની એ હોસ્પિટલમાં શું થયું? કાર્યવાહી પૂરી થઈ ગઈ.... આ તો ખૂબ ગંભીર બાબત છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે SITની રચના કરી છે. DCP મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને SIT તપાસ કરશે. SITમાં ACP અને SOG પીઆઈની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. SITના રિપોર્ટ બાદ આગળની તપાસ પણ કરાશે.

હોસ્પિટલનો ત્રણથી ચાર દિવસમાં રિપોર્ટ આવશેઃ એ.કે. રાકેશ
એ.કે. રાકેશે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલનો ત્રણથી ચાર દિવસમાં રિપોર્ટ આવશે. અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે જેના રિપોર્ટ પરથી આગળ કાર્યવાહી થશે. કોવિડ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ધૂમાડો વધુ હતો. આથી મુશ્કેલી વધી છે. કોવિડ હોસ્પિટલમાં વધારે તકેદારી રાખવી જરૂરી છે. ઓક્સિજન હોવાથી નાનો સ્પાર્ક પણ મોટી દુર્ઘટના કરી શકે છે. કોવિડ હોસ્પિટલની સુવિધાને લઈને રિપોર્ટના આધારે કેટલી સુવિધાઓ વધારવી તે અંગે નિર્ણય લેવાશે. ઓક્સિજનનું વધુ પ્રમાણ હોય ત્યાં નાનો સ્પાર્ક થાય તો પણ ત્યાં ફાયરમાં પરિવર્તન થઈ શકે છે. આના માટે કાળજી ચોક્કસથી લેવી પડે અને કાળજી લેવામાં આવે છે. ક્યાં ભૂલ થઈ છે અને કેવી રીતે થઈ છે તે તપાસ બાદ જ જાણવા મળશે. ધૂમાડાના કારણે ગૂંગળામણથી પાંચ દર્દીના મોત થયા હોય તેવું બની શકે. બધા રિપોર્ટ આવતા બેથી ત્રણ દિવસ માં આવવાની શક્યતા છે.

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દી સારવાર હેઠળ હતા
આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યાં.પીએમ રૂમથી દર્દીનાં સગાંઓને એક પછી એક ડેડબોડી સોંપવામાં આવી હતી. આ સમયે પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું. આગની આ ઘટનાની માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. FSL અને અન્ય પુરાવાના આધારે તપાસ કરવામાં આવશે. રસિકલાલ અગ્રાવતની ફાઈલ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. મૃતકોનો ફોરેન્સિક પીએમ રિપોર્ટ સાંજ સુધીમાં થશે. મૃતકોની ફાઈલ બળીને ખાખ થઈ ગઈ છે. ફાઈલ બળીને ખાખ થઈ જતાં મૃતક રસિકલાલના પરિવારજનોનો સંપર્ક થતો નથી.

ઉદય શિવાનંદ હોસ્પિટલે PGVCLની ટીમ પહોંચી તપાસ હાથ ધરી
ઉદય શિવાનંદ હોસ્પિટલે PGVCLની ટીમ પહોંચી તપાસ હાથ ધરી છે. શોર્ટસર્કિટથી આગ લાગી કે અન્ય કારણોસર એ અંગે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં છેલ્લા મહિનામાં 200થી વધારે હોસ્પિટલોમાં અપૂરતાં ફાયરસેફ્ટીનાં સાધનોને લઈને તપાસ હાથ ધરાઈ છે. 200 પૈકી 58 હોસ્પિટલોને નોટિસ અપાઈ છે. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનાં 8 જેટલાં બિલ્ડિંગમાં ફાયરસેફ્ટીનાં સાધનો પૂરાં કરવા નોટિસ અપાઈ છે. રાજકોટ FSLની ટીમે હોસ્પિટલમાંથી વિવિધ નમૂના લઈ પોતાની તપાસ પૂર્ણ કરી છે.

મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છેઃ પોલીસ કમિશનર
આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે DivyaBhaskar સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે ‘આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે. જે પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે.’ ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયો નહોતો.

આ પણ વાંચોઃ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ:રાત્રે 3 વાગે આગમાં કોરોનાના 8 દર્દીનાં મોત, વોર્ડ બોયનું નિવેદન-એક દર્દીને બેડથી બાંધ્યો હતો, જેનું મોત થયું

અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આગ લાગતાં અચાનક બૂમાબૂમ થવા લાગી
નર્સિંગ સ્ટાફે આ ઘટના નજરે જોઈ છે, પરંતુ કોઈ નામ સહિત બોલવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ, આગ લાગી ત્યારે અચાનક જ વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ત્યાર બાદ ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા. થોડીવાર સુધી શું કરવું કે શું ન કરવું એની ખબર જ ના પડી. થોડીવારમાં જ અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટરો દોડી આવ્યા. અમુક બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો.

ફાયરબ્રિગેડની ટીમે હોસ્પિટલમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી.
ફાયરબ્રિગેડની ટીમે હોસ્પિટલમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી.

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં મોત થયા એ દર્દીઓનાં નામની યાદી

1.કેશુભાઇ લાલજી અકબરી-રાજકોટ 2.સંજય અમૃતલાલ રાઠોડ-રાજકોટ 3.રામશી મોતી લોહ-જસદણ 4.નીતિન મણિલાલ બદાણી-મોરબી 5.રસિક શાંતિલાલ અગ્રાવત.-ગોંડલ

રાજકોટ માટે દુઃખદાયક ઘટનાઃ વિપક્ષના નેતા
આ મામલે RMCના વિપક્ષના નેતા વશરામ સાગઠિયા જણાવે છે કે ‘પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની ફાયરની સુવિધા હતી, પરંતુ તેઓ ફાયર સિસ્ટમ કરી શક્યા નહીં કે તેમને ઉપયોગ કરતા આવડ્યું નહીં. આ સમગ્ર ઘટના રાજકોટ માટે દુઃખદાયક છે.’

બાકીના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયાઃ ડીસીપી
આ મામલે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજા જણાવે છે કે ‘હોસ્પિટલમાં અગમ્ય કારણોસર આગી લાગી હતી. હાલ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. આ ઉપરાંત હોસ્પિટલના અન્ય વોર્ડમાં હાજર 22 જેટલા દર્દીને ઉદય હોસ્પિટલની બીજી બ્રાન્ચમાં ખસેડવામાં આવ્યા છે.’

આ પણ વાંચોઃ વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી, 150 દર્દીને ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યા, 3 દર્દીને ધુમાડાની અસર થઈ

ફાયરબ્રિગેડની ટીમે હોસ્પિટલમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી.
ફાયરબ્રિગેડની ટીમે હોસ્પિટલમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી.

અગ્નિકાંડની ટાઇમલાઇનઃ કેટલા વાગે કઈ ઘટના બની એનો અહેવાલ
12.15 વાગ્યે ICU વિભાગના મશીનમાં શોર્ટસર્કિટ થતાં ભીષણ આગ લાગી.
12.20 વાગ્યે ફાયરબ્રિગેડની ટીમને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો.
12.30 વાગ્યે વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા.
12.35 વાગ્યે હોસ્પિટલમાંથી ડોક્ટરો સહિતનો સ્ટાફ દોડી આવ્યો અને બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો.
12.45 વાગ્યે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.
1.00 વાગ્યે 11 દર્દીને બચાવી લેવાયા, 3 દર્દીનાં મોત નીપજ્યા.
1.15 વાગ્યે ગંભીર રીતે દાઝેલા વધુ 2 દર્દીએ દમ તોડ્યો, મૃત્યુઆંક 5 થયો.
1.30 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.

ઘટનાસ્થળની ભયાનક તસવીર.
ઘટનાસ્થળની ભયાનક તસવીર.
ઉદય શિવાનંદ હોસ્પિટલની તસવીર.
ઉદય શિવાનંદ હોસ્પિટલની તસવીર.
મહિલાને રેસ્ક્યૂ કરતી ફાયરબ્રિગેડની ટીમ.
મહિલાને રેસ્ક્યૂ કરતી ફાયરબ્રિગેડની ટીમ.
વધુ એક મહિલાને રેસ્ક્યૂ કરવામાં આવી.
વધુ એક મહિલાને રેસ્ક્યૂ કરવામાં આવી.
રેસ્ક્યૂ ઓપરેશનની તસવીર.
રેસ્ક્યૂ ઓપરેશનની તસવીર.
આખો ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો.
આખો ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો.
આગ લાગ્યા પછીના ICU વોર્ડની તસવીર.
આગ લાગ્યા પછીના ICU વોર્ડની તસવીર.

6 ઓગસ્ટે અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દીનાં મોત થયાં હતાં
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી, જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે લાગી હતી.

25 ઓગસ્ટે જામનગરની GG હોસ્પિટલના ICU વિભાગમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી
25 ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતાં જ 4 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂ લીધી હતી તેમજ સ્થાનિકોએ ICU વિભાગમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.

સપ્ટેમ્બરમાં વડોદરાની SSG હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી
ગત સપ્ટેમ્બર મહિનામાં વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું. ત્યાર બાદ ફાયરબ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. વોર્ડમાં આગ લાગી હતી ત્યાં રહેલા કોરોનાના દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 150 જેટલા દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે જાનહાનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...