રાજકોટ શહેરને અલગ અલગ મૂડી ખર્ચ કરવા માટે ગત નાણાકીય વર્ષમાં સરકારે કુલ 309 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી પણ નવા નાણાકીય વર્ષમાં 3 જ મહિનામાં 158.35 કરોડ રૂપિયા ફાળવી દેવાયા છે. પૈસાના વાંકે કોઇ જ કામ ન અટકે તેવી તૈયારી ખરેખર તો ચૂંટણીની તૈયારી હોય તેવું લાગી રહ્યું છે.
ગત નાણાકીય વર્ષમાં ઘણા કામો અટકેલા હતા અને પ્રગતિ ન થતા સરકારે પણ ગ્રાન્ટ અટકાવી દીધી હતી. ગત વર્ષ આંતરમાળખાકીય સુવિધાઓ માટે કુલ 129 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં જ 85.90 કરોડ રૂપિયા અપાયા છે તેમજ ગત વર્ષની બાકી 22.86 કરોડની ગ્રાન્ટ વધારાની આપી છે.
બીજી સૌથી મોટી ગ્રાન્ટ 13.75 કરોડ રૂપિયાની છે જે ગત વર્ષે ઓછી મળી હતી. 6 કરોડની ખાસ ગ્રાન્ટ તેમજ 5 કરોડની વ્યવસાય ગ્રાન્ટ આપી છે. બ્રિજ માટે અત્યારે 23 કરોડ આપ્યા છે તેમાં હજુ વધુ 40 કરોડની શક્યતા છે તેમજ ચાલુ વર્ષે અમૃત યોજનાની ગ્રાન્ટ પણ બાકી છે તેથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઝડપથી ગ્રાન્ટ રિલીઝ થાય તેવી શક્યતા છે.
ગ્રાન્ટ ઝડપથી આવવાથી પૈસાના વાંકે કામ અટક્યું તેવું બહાનું નહિ રહે તેથી રાજકોટ મહાનગરપાલિકાએ પણ બજેટમાં જે પ્રોજેક્ટ જાહેર કરાયા છે તે તમામના એસ્ટિમેટ અને કન્સલ્ટન્સી નિમવાની કામગીરી 3 જ મહિનામાં પૂરી કરવા મ્યુનિ. કમિશનરે આદેશ આપ્યા હતા.
અમૃત અને સડક યોજનાની 90 કરોડની ગ્રાન્ટ હજુ બાકી
રાજકોટમાં 158 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે પણ તેમાં હજુ 3 સૌથી મોટી ગ્રાન્ટ એટલે કે અમૃત યોજના, આઉટગ્રોથ વિકાસ અને મુખ્યમંત્રી શહેરી સડક યોજના બાકી છે. ગત વર્ષે રોડ માટે 17.94 કરોડ તેમજ નવા ભળેલા વિસ્તારો માટે જાહેર થયેલી સ્વર્ણિમ આઉટગ્રોથ વિકાસ ગ્રાન્ટ માટે 18.75 કરોડ રૂપિયા તેમજ અમૃત યોજના માટે 76.25 કરોડ જેટલી જંગી ગ્રાન્ટ આવી હતી. ચાલુ વર્ષે આ ત્રણેય ગ્રાન્ટ 90 કરોડથી વધુની મૂડી મનપાને માટે પૂરી પાડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.