ભાસ્કર વિશેષ:ગયા વખતે લગ્ન માટેના 64 મુહૂર્ત હતા આ વર્ષે 63, પરંતુ લગ્ન 3000થી વધારે થશે

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફેબ્રુઆરીમાં 9 મુહૂર્ત સૌથી વધારે, લગ્ન સિઝનને કારણે બજારમાં 25 ટકા વેપાર વધ્યો

વિક્રમ સંવત 2079 માં લગ્ન માટેના 63 મુહૂર્ત છે. ગત વર્ષે એટલે કે વિક્રમ સંવત 2078 માં લગ્ન માટેના 64 મુહૂર્ત હતા. આમ એક સરખા જ મુહૂર્ત હોવા છતાં આ વખતે 3000થી વધુ લગ્ન ગત વર્ષ કરતા વધારે થાય તેવો અંદાજ છે. માણસોની મર્યાદા નહિ હોવાને કારણે અને કોઈ પાબંદી નહિ હોવાથી લગ્નની સંખ્યામાં વધારો થયો છે. વિક્રમ સંવત 2079માં સૌથી વધુ ફેબ્રુઆરીમાં 9 મુહૂર્ત છે. તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઈ જોશી જણાવે છે.

સતત બે વર્ષ સુધી લગ્ન પ્રસંગમાં મહેમાનો માટે મર્યાદા રાખવામાં આવી હતી. જેને કારણે જેને ધામધૂમથી લગ્ન કરવા હતા તેને લગ્ન પાછળ ઠેલ્યા હતા, પરંતુ આ વખતે કોઇ મર્યાદા કે પાબંદી નહિ હોવાને કારણે યજમાનો ધામધૂમથી લગ્ન કરવા માગે છે અને પ્રસંગને યાદગાર બનાવવા માગે છે. આ વખતે લગ્નમાં રૂ. 3 લાખથી લઈને રૂ. 80 લાખ સુધીનો ખર્ચ કરશે. તેમ ઈવેન્ટ મેનેજમેન્ટના સંચાલકો જણાવી રહ્યાં છે. જ્યારે ફૂડ માટે આયોજકોએ હાઈજિન ફૂડ પર પોતાની પસંદગી ઉતારી છે. લગ્નની સંખ્યા વધારે હોવાને કારણે શાકભાજીથી લઈને સોના-ચાંદી માર્કેટમાં વેપાર 25 ટકા વધારે હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે.

ફેબ્રુઆરીમાં સૌથી વધુ લગ્ન છે. કારણ કે આ સમયે શિયાળાની વિદાય થવાની તૈયારીમાં હોય છે અને શાળા- કોલેજમાં વિદ્યાર્થીઓને પરીક્ષા નહિ હોવાને કારણે આ સમયે સૌથી વધુ લગ્ન થતા હોય છે. જ્યારે માર્ચમાં પરીક્ષા અને ગરમી શરૂ થતી હોવાને કારણે આ મુહૂર્તમાં ઓછા લગ્ન કરવાનું આયોજકો પસંદ કરતા નથી. પહેલી ડિસેમ્બરે લગ્ન અને મતદાન બન્ને સાથે હોવાને કારણે અનેક નવયુગલો પહેલા મતદાન કરીને રાષ્ટ્રીય ફરજ અદા કરશે અને ત્યારબાદ પરિણયના બંધનમાં બંધાશે તેમ આયોજકોએ જણાવ્યું છે. એક ચર્ચા મુજબ રાજકોટ સહિત રાજ્યમાં મતદાનના દિવસે 30 હજાર જેટલા લગ્ન યોજાવાના છે જેથી તેની અસર મતદાન પર પડવાની સંભાવના છે.

મંડપ, ડેકોરેશન, કેટરિંગ માટેના ઓર્ડર દરેક મુહૂર્તમાં હાઉસફુલ
મંડપ, ડેકોરેશન અને કેટરિંગ માટેના ઓર્ડર દિવાળી પહેલા જ નોંધાઈ ચૂક્યા છે. હાલ ખાનગી પાર્ટી પ્લોટ, મનપાના તમામ હોલ, સમાજની વાડી સહિતના સ્થળો હાઉસફુલ છે. એક અંદાજ મુજબ આ વખતે એક મુહૂર્તમાં અંદાજિત 275 લગ્ન છે. જ્યારે ગત વર્ષે એક મુહૂર્તમાં લગ્નની સંખ્યા 200 જેટલી હતી. આર્ય સમાજ અને સમૂહ લગ્નમાં પણ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે.

અન્ય સમાચારો પણ છે...