ડેન્ગ્યુના વાયરા:ડેન્ગ્યુના વાયરાના હવે છેલ્લા 20 દિવસ, ગત વર્ષ કરતા કેસ ઓછા રહ્યા હવે પ્રદૂષણને કારણે શરદી-ઉધરસ વધશે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાં ઊંચી સપાટીએ પહોંચેલા પ્રદૂષકો શિયાળામાં નીચી સપાટીએ આવે છે તે શ્વાસમાં આવતા નાક અને ગળાના રોગ નોતરે છે
  • ગત વર્ષે રાજકોટમાં નવેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 386 કેસ નોંધાઈ ચૂક્યા હતા જ્યારે આ વર્ષે તે આંક 224 રહ્યો `

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ જાહેર કરેલા આંક મુજબ 21 નવેમ્બર પુરા થતા સપ્તાહમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 13 જ્યારે મલેરિયા અને ચિકનગુનિયાનો એક એક કેસ નોંધાયો છે. આ સાથે ડેન્ગ્યુના જાન્યુઆરીથી અત્યાર સુધીના કુલ કેસ 224 થયા છે જે આ સમયે ગત વર્ષે થયેલા 386 કેસ કરતા ઘણા ઓછા છે અને હવે છેલ્લા 20 દિવસ છે અને ત્યારબાદ મચ્છરજન્ય રોગોની સિઝન પૂરી થશે જ્યારે આવતા સપ્તાહથી શ્વાસને લગતા રોગ અને ઈન્ફેક્શનનું પ્રમાણ વધી જશે અને હવે શ્વસનને લગતા રોગની સિઝન આવશે તેમ તબીબો જણાવી રહ્યાં છે.

મચ્છરજન્ય રોગોની હાલની સ્થિતિને પાછલા વર્ષ સાથે સરખાવતા જોવા મળ્યું છે કે, ચાલુ વર્ષે કેસમાં ઘટાડો આવ્યો છે. આ અંગે આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના નહિવત હોવાથી આ વર્ષે હવે ડેન્ગ્યુ માથું ઊંચકશે તેવી બીક તંત્રને ઘણા સમયથી હતી અને આ બીકને કારણે જ એન્ટિ લારવા એક્ટિવિટી, ફોગિંગ અને જાગૃતિનું બીડું ઝડપીને કોરોના માટે જેટલા લોકો દોડાવ્યા હતા તેટલાં જ ડેન્ગ્યુ માટે દોડાવાયા હતા. હાલની સ્થિતિ અંગે તબીબોએ જણાવ્યું હતું કે, 3 સપ્તાહથી રોગના આંકડા એકસરખા આવે છે તેને પ્લેટુ ફેઝ એટલે કે સ્થિર થઈ ગયા ગણાય કેસ વધે પણ નહિ અને ઘટે પણ નહિ. નવેમ્બર પૂરો થતા સુધી તેમ ચાલશે ત્યારબાદ ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થશે અને ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં કેસ ઘટી જશે. દર વખતે આ જ ટ્રેન્ડ રહે છે.

ડેન્ગ્યુ બાદ હવે કેવા પ્રકારના રોગચાળા આવી શકે છે તે મામલે આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે, હવે શ્વસનના રોગો અને ગળાને લગતા રોગની સંખ્યા વધી શકે છે. હવામાં જે પ્રદૂષકો અને નાના કણ હોય છે તે ઊંચી સપાટીએ હોય છે પણ શિયાળામાં તાપમાન નીચું જતા કણો પણ નીચે ઉતરે છે અને તે શ્વાસમાં જતા ગળામાં બળતરા, શ્વાસના રોગ થઈ શકે છે આ ઉપરાંત શરદી અને ઉધરસનું પણ પ્રમાણ વધે છે.

સપ્તાહે નવા 13 કેસ સાથે રોગચાળો સ્થિર, હવે ઘટાડો આવશે : આરોગ્ય અધિકારી

મચ્છરજન્ય રોગની બે વર્ષની સરખામણી

વર્ષ20212022
ડેન્ગ્યુ386224
મલેરિયા5346
ચિકનગુનિયા2925
કુલ468295

ટાઈફોઈડ અને કમળો ચોપડે થયા નાબૂદ, શરદીના કેસ વધ્યા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં થતી તપાસના આંક દર સપ્તાહે જાહેર કરાય છે જેમાં છેલ્લા ઘણા સમયથી ટાઈફોઈડ અને કમળાનો એક પણ કેસ ન આવ્યાનું નોંધાયું છે. જાણે મનપાના ચોપડે આ બધા કેસ શૂન્ય થયા હોય તેવી સ્થિતિ છે. ગત સપ્તાહ સુધીમાં 258 શરદી-ઉધરસના જ્યારે તાવના 44 અને ઊલટીના 71 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ખાનગી દવાખાનામાં સારવાર લેતા દર્દીઓના આંકડા વધી શકે છે પરંતુ તે જાહેર થતાં નથી.

બે વર્ષમાં શરદી-ઉધરસ, તાવના કેસમાં આવ્યો મોટો તફાવત, ગત વર્ષે 1137 હાલ માત્ર 302
બીમારી અને રોગચાળાના આંકડાઓમાં ઘણી વખત લોકો સુધી સાચા આંકડા પહોંચતા નથી પણ જ્યારે બે આંકડાની સરખામણી થાય ત્યારે કશું અજુગતું હોવાનું બહાર આવે છે. ગત વર્ષે આ સમયે કોરોનાના કેસ વિદાય લઈ રહ્યાં હતાં જ્યારે આ વર્ષે કોરોના માત્ર એકલ દોકલ જ છે.

ગત વર્ષે કોરોના ઉપરાંત શરદી-ઉધરસના કેસ પણ વધ્યા હતા જ્યારે આ વર્ષે તેમાં પણ ઘટાડો રહ્યો છે. 21 નવેમ્બરે પૂરા થતા સપ્તાહમાં શરદી-ઉધરસના 258 જ્યારે સામાન્ય તાવના 44 સહિત 302 કેસ છે. આ જ સમયે 2021ના નવેમ્બર 21ના પૂરા થતા સપ્તાહમાં શરદી-ઉધરસના 695 જ્યારે તાવના 442 સહિત 1137 કેસ હતા.

અન્ય સમાચારો પણ છે...