તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદાગીરી:દબાણ હટાવ શાખાના ઈન્સ્પેક્ટરને છરી ઝીંકી લારીવાળાએ 40 મિનિટ આતંક મચાવ્યો, શાસ્ત્રીનગર રોડ પરનું દબાણ હટાવવા મનપા ટીમ પહોંચી ત્યારે યુવાને કહ્યું ‘લારીને હાથ ન લગાવતા’

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખુલ્લી છરી સાથે યુવાને જાહેરમાં ધમાલ કરી હતી - Divya Bhaskar
ખુલ્લી છરી સાથે યુવાને જાહેરમાં ધમાલ કરી હતી
  • પોલીસ પહોંચતા દોડીને નજીકના પાર્ટી પ્લોટમાં છુપાયો, અંતે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું

શહેરના શાસ્ત્રીનગર રોડ પર દબાણ હટાવવા ગયેલા મનપાના દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર ફ્રૂટની લારી વાળાએ છરીથી હુમલો કરી ઇન્સ્પેક્ટરનો હાથ ભાંગી નાખ્યો હતો, માથાભારે ઇસમે અડધો કલાક સુધી આતંક મચાવ્યો હતો છતાં અન્ય સ્ટાફે કાર્યવાહીને બદલે તમાશો નિહાળ્યો હતો. અંતે પોલીસે છરી સાથે એ ઇસમને ઝડપી સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિવૃત્ત આર્મીમેન રાજદીપસિંહ રાણા સહિતનો સ્ટાફ બુધવારે સાંજે નાનામવા સર્કલથી શાસ્ત્રીનગર રોડ પર લારીવાળાઓએ કરેલું દબાણ હટાવવા ગયા હતા

ત્યારે ફ્રૂટની લારી લઇને ઊભેલા રિયાઝ અનવર માડચિયા નામના શખ્સને લારી ખાલી કરવાનું કહેતા તે ઉશ્કેરાયો હતો અને મનપાની ટીમને ગાળો ભાંડી પોતાની પાસે રહેલી છરીથી ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ રાણા તરફ ધસી ગયો હતો અને રાણાને હાથમાં ઝનૂનપૂર્વક છરીનો ઘા ઝીંકી દીધો હતો. છરીથી હુમલો થતાં ઇન્સ્પેક્ટર રાણા લોહીલુહાણ થઇ ગયા હતા અને ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા.

મનપા ટીમના અન્ય સભ્યો હાજર હતા અને અંદાજે 100થી વધુ લોકો એકઠા થઇ ગયા હતા છતાં રિયાઝ માડચિયા કોઇને મચક આપતો નહોતો અને તેણે અડધો કલાક સુધી આતંક મચાવ્યો હતો રાહદારીઓને પણ તે બેફામ ભાંડવા લાગ્યો હતો, અંતે આ અંગે જાણ કરાતા તાલુકા પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસને જોતા જ રિયાઝ ભાગ્યો હતો, પોલીસે તેનો પીછો કરતા રિયાઝ નજીકમાં આવેલા પાર્ટી પ્લોટમાં છુપાઇ ગયો હતો, જોકે પોલીસે તેનો પીછો કરી પાર્ટી પ્લોટમાંથી દબોચી લીધો હતો. પાર્ટી પ્લોટમાંથી રિયાઝને બહાર લવાતાં જ લોકોએ પોલીસ સકંજામાં રહેલા રિયાઝને ધોલધપાટ કરી રોષ ઠાલવ્યો હતો. હુમલામાં ઘવાયેલા ઇન્સ્પેક્ટર રાણાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આરોપીનો આક્ષેપ, હપ્તો આપીએ છીએ છતાં હેરાન કરાય છે
મનપાની ટીમે લારી જપ્ત કરવાનો પ્રયાસ કરતા જ લારી માલિક રિયાઝ ઉશ્કેરાયો હતો અને તેણે જાહેરમાં દબાણ હટાવ ટીમ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ લોકોને નિયમિત હપ્તો આપીએ છીએ, છતાં ચોથી વખત લારી જપ્ત કરવા આવ્યા છે.
ધમકાવ્યા, ગાળો ભાંડી છતાં ત્રણ-ત્રણ અધિકારીઓ ચૂપ રહ્યા, તમાશો જોતાં રહ્યા તેની પાછળનું કારણ શું?
એક યુવાન સરાજાહેર અધિકારીઓને ધમકાવે છે, ગાળો ભાંડે છે, રોડ પર રીતસર આતંક મચાવે છે છતાં આ અધિકારીઓ તેની સામે દંડો ઉગામવાને બદલે ચૂપચાપ બધુ સાંભળ્યા કરે છે. એક હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી. તેની પાછળ એવું તો શું કારણ છે? કે પછી કાયરતા છે. લોકો પોતાની જાતને આમા કેટલી સલામત માને?

અન્ય સમાચારો પણ છે...