ગેરકાયદે બાયોડીઝલના વહેચાણ અને સંગ્રહને અટકાવી કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે જો કે આમ છતાં પણ રાજકોટ શહેર અને જિલ્લામાં ફરી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો શરૂ થઇ ગયો છે. અને રાજકોટ રેન્જના 5 જિલ્લામાં છેલ્લા 30 દિવસથી 1121 જેટલી રેડ કરવામાં આવૈ છે ત્યારે આ મુદ્દે પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,બાયો ડીઝલ નાબૂદ કરવા પોલીસ સાથે સંકલન કરી મોટાપાયે દરોડા પાડવામાં આવશે. અને ગેરકાયદેસર ચાલતો બાયો ડિઝલનો વેપાર 100% નાબુદ થાય તેવા પ્રયત્નો અમે કરશું. બાયો ડિઝલ અંગે દરોડા કરવાએ સતત ચાલતી પ્રક્રિયા છે.
પોલીસે આટલેથી સંતોષ માની લીધો
આ અંગે 2 દિવસ પહેલા રાજકોટ રેન્જ IG સંદિપસિંઘે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 દિવસ દરમિયાન રાજકોટ રેન્જના 5 જિલ્લામાં 120થી વધુ ટીમ બનાવી 1100 જેટલી રેડ કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન માત્ર 27 જગ્યા પર જ ફરિયાદ નોંધી 35 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ દોઢ લાખ લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આટલેથી સંતોષ માની લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે. આ રેડની તપાસનો રેલો ગાંધીનગર સુધી પહોંચી શકે છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી બાયોડીઝલ રેડ
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટ જિલ્લા SOG પોલીસ દ્વારા ધોરાજીના સુપેડી ખાતેથી સૌરાષ્ટ્રની સૌથી મોટી બાયોડીઝલ રેડ કરવામાં આવી હતી. જેમાં ધોરાજીના સુપેડી ખાતે રેડ કરી 75,000 લીટર ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે કુલ રૂ.63 લાખનો મુદામાલ કબ્જે કરી 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુપેડી ગામમાં વેપલો મળી આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ રૂલર SOG પોલીસને મળેલ બાતમીના આધારે ગઈકાલે સવારના સમયે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે એક મોટી શેડ વાળી જગ્યામાં બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ પર દરોડા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થળ પરથી વહેચાણ કરતા કુલદીપ હેરભા અને ભુપેન્દ્ર ઉંધાડ નામના બે શખ્સો મળી આવ્યા હતા.
21,000 લિટરના જથ્થા સાથે 4ની ધરપકડ
આ બન્ને શખ્સો સાથે અલગ અલગ ટાંકામાં કુલ 75,000 લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જે તમામ સહિત કુલ રૂ.63 લાખનો મુદામાલ કબ્જે કરી આ મોટો જથ્થો ક્યાંથી લાવી કોને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશા તરફ આગળ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રૂલર SOG પોલીસ દ્વારા ગત સપ્તાહે પણ 21,000 લિટરના જથ્થા સાથે 4 આરોપીની ધરપકડ કરી હતી.
ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ અટકાવવા રજુઆત
આમ તો પોલીસ દ્વારા કોઈ જગ્યા પર બાયોડીઝલનું વહેચાણ કે સંગ્રહ થતું ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ બોરવેલ એસોસિએશન દ્વારા ગઈકાલે રાજકોટ જિલ્લા પોલીસ વડા ને રૂબરૂ મળી વિડીયો ના પુરાવા સાથે જિલ્લામાં ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ અટકાવવા રજુઆત કરી હતી.
પંપના સંચાલકો પર રાજકીય વગ ધરાવે છે
હજુ પણ મોટા ભાગે રાત્રી દરમિયાન બાયોડીઝલનું વહેચાણ થતું હોવાની માહિતી સૂત્ર પાસેથી મળી આવી છે ત્યારે રાજકોટ શહેર પોલીસની હદમાં ચાલતા બાયોડીઝલના ગેરકાયદે પંપના સંચાલકો પર રાજકીય વગ ધરાવતા લોકોના ચાર હાથ છે કે પછી રાજકોટ શહેર પોલીસ મલાઈ મેળવી બાયોડીઝલનું વહેચાણ થતું જોઈ આંખ આડા કાન કરી રહી છે તે એક મોટો સવાલ છે.!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.