રાજકોટ મ્યુનિ. કમિશનર અમીત અરોરાના આદેશ અનુસાર ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે વેસ્ટ ઝોન કચેરી હેઠળના વોર્ડ નં.1, 9, 10 અને 11માં આવેલા ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશન હાથ ધર્યું હતું. ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા અનામત પ્લોટ પર દબાણો અને બાંધકામ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 11974 ચોરસ મીટરની અંદાજિત 86.65 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.
ક્યાં વિસ્તારમાં કેટલી જમીન ખુલ્લી કરાઇ
વોર્ડ નં.1માં વિદ્યુતનગર સોસાયટી પાસે એક ઓરડી તોડી પાડી 12,61,20,000 રૂપિયાની 2102 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. વોર્ડ નં. 9માં બીજા રિંગ રોડ પર ચાપણીયાની દીવાલ અને એક રૂમ તોડી પાડી 15,20,80,000 રૂપિયાની 1901 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. વોર્ડ નં.10માં બી.ટી. સવાણી હોસ્પિટલ પાછળ 20 ઝૂંપડા પર બૂલડોઝર ફેરવી 38,20,80,000 રૂપિયાની 4776 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઇ છે.
15 ઝૂંપડા પર બૂલડોઝર ફરી વળ્યું
વોર્ડ નં. 10માં બી.ટી. સવાણી હોસ્પિટલ પાછળ 15 ઝૂંપડા તોડી પાડી 13,32,60,000 રૂપિયાની 2221 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. તેમજ વોર્ડ નં. 11માં અંબિકા ટાઉનશીપવાળા બ્રિજની બાજુમાં અને રંગ રેસિડેન્સી સામે દીવાલ અને ઓરડી તોડી પાડી 7,30,50,000 રૂપિયાની 974 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે.
ડિમોલિશનમાં વિજિલન્સનો સ્ટાફ ખડેપગે રહ્યો
ડિમોલીશનમાં ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટ ઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર એમ. આર. મકવાણા, આર. એમ. વાછાણી તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનિકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.
આજે વેરા વસુલાત શાખાએ 8 મિલકત સીલ કરી
આજે વેરા-વસુલાત શાખા દ્વારા 8 મિલકતને સીલ કરવામાં આવી છે. તેમજ 5 નળ કનેક્શન કાપવામાં આવ્યા છે. આ ઉપરાંત 33 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી રૂ.43.24 લાખ રિકવરી કરવામાં આવ્યા છે. હાલ સિલિંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.