ક્રાઇમ:NRIની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી ભૂમાફિયાએ પચાવી પાડી

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • કલેક્ટરના આદેશ બાદ પોલીસે મહિલા સહિત 5 ભૂમાફિયા સામે નોંધી ફરિયાદ

રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા યોજાયેલી બેઠક બાદ પારકી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધવાના આદેશને પગલે તાલુકા પોલીસે વૃદ્ધ એનઆરઆઇની ફરિયાદ પરથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ અમેરિકાના ટેક્સાસ શહેરમાં રહેતા અરવિંદભાઇ હરિલાલ ગાંધી નામના વૃદ્ધે કેવડાવાડીમાં રહેતા સંજય ઉર્ફે લાલો ધના પાલિયા, હરિ મનુ, હિતેશ ઉર્ફે પ્રકાશ છોટાલાલ દવે, પ્રશાંત હસમુખ નિર્મળ અને લાભુબેન પ્રવીણ ચૌહાણ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, પોતે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હોય અવારનવાર રાજકોટ આવતા રહેતા હતા. ત્યારે રાજકોટમાં પોતાને રોકાણ કરવું હોય 1988માં મોટામવા ગામની સીમમાં બિનખેતી અને ઇમારત બાંધવાની મંજૂરીવાળો 200 ચો.વારનો પ્લોટ વેચાણ દસ્તાવેજથી ખરીદ કર્યો હતો.

દરમિયાન ઉપરોક્ત પ્લોટ વેચવો હોય 2017માં જમીન દલાલને વાત કરી હતી. જમીન દલાલે તપાસ કરતા તેમની જમીનના સંજય પાલિયાએ પોતાના નામનો ડમી માણસ હરિ મનુને હાજર રાખી બનાવટી સહી કરી પોતાની જમીનનો બોગસ દસતાવેજ બનાવ્યો હતો અને બનાવટી દસ્તાવેજની રજિસ્ટર ઓફિસમાં નોંધ પણ કરાવી હતી. જેમાં સાક્ષી તરીકે પ્રકાશ દવે, પ્રશાંત નિર્મળએ સહી કરી હોવાની વાત કરી હતી. તેમજ તે જમીન ઉપરોક્ત આરોપીઓએ રૂ.28 લાખમાં કેશોદના ગવર્નમેન્ટ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા લાભુબેન ચૌહાણને ઉત્તરોત્તર દસ્તાવેજ કરી આપ્યો હતો. જેથી કેશોદની મહિલા લાભુબેને જમીન ફરતે ફેન્સિંગ કરી દીધી હતી. આ કૌભાંડમાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ગોંડલિયાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ભૂમાફિયાની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાને ફિનાઇલ પીધું
રાજકોટ | શહેરમાં વધુ એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન પાર્કમાં રહેતા દિપેશ ગિરીશભાઇ બુંદેલા નામના યુવાને ગત રાતે તેના ઘર પાસે ફિનાઇલ પી લેતા લોકોએ તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં દિપેશ વીડિયોગ્રાફીનું કામકાજ કરે છે. ધંધાના કામ માટે નાણાંની જરૂરિયાત ઊભી થતા ત્રણ વ્યાજખોર પાસેથી કુલ રૂ.2.11 લાખ વ્યાજે લીધા હતા. થોડો સમય સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી હતી. પરંતુ ધંધો સરખો નહિ ચાલતા તે વ્યાજખોરોને નાણાં ચૂકવી શકતો ન હતો. જેને કારણે વ્યાજખોરો ઘરે આવી નાણાંની પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ દેતા હોવાથી પગલું ભર્યાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય વ્યાજખોરોના નામ મેળવી તેમની સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...