ભાસ્કર વિશેષ:પાંજરામાં લેમ્પવાળા મટકા મુકાય છે જેના પર વિંટાઈને સાપ ગરમી મેળવે, તૃણાહારીઓ માટે સૂકા ઘાસની પથારી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠંડીમાં વધારો થતા પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા અપનાવાયા નુસખા

રાજકોટના પ્રદ્યુમનપાર્ક ઝૂમાં દરેક ઋતુને લઈને પ્રાણીઓને કુદરતી રીતે અનુકૂળ આવે તે મુજબ વ્યવસ્થા કરાય છે. શિયાળો આવ્યા બાદ છેલ્લા બે દિવસથી વધુ ઠંડી પડતા ઝૂના પ્રાણીઓને બચાવવા અલગ અલગ વ્યવસ્થાઓ કરાઈ હોવાનું ઝૂ સુપ્રિટેન્ડન્ટે કહ્યું છે. ઝૂમાં જ્યાં સાપ રાખવામાં આવ્યા છે ત્યાં કાણાવાળા મટકા મુકાયા છે જેની અંદર લેમ્પ રાખ્યો છે. જેથી સાપ આ મટકાને વિંટાઈને રહેતા લેમ્પથી ગરમી મળતી રહે છે. જ્યારે તૃણાહારીઓ માટે પાંજરામાં સૂકા ઘાસની પથારી કરાઈ છે જેથી રાત્રીના સમયે તેના પર બેસે તો ઠંડી ન લાગે.

ઠંડીથી બચાવવા ઝૂમાં વ્યવસ્થા કરવામાં આવી, હાલ 57 પ્રજાતિના 456 વન્યપ્રાણી અને પક્ષી છે

  • સિંહ, વાઘ, દીપડા, રીંછ જેવા મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય.
  • ચિત્તલ, સાબર, કાળિયાર, હોગ ડીયર જેવા તૃણાહારીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરાય છે જેથી રાત્રી દરમિયાન પ્રાણી સૂકા ઘાસ ઉપર બેસી હૂંફ મેળવી શકે.
  • સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેક્ટ્રિક લેમ્પ ગોઠવ્યા છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલિત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે
  • તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરી રૂમની અંદર બેસવા માટે લાકડાના પાટિયા મુકાયા છે.
  • નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવાઈ છે. બારી –દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કર્યા છે.
  • પક્ષીઓના પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકું ઘાસ પાથર્યું છે. આ ઉપરાંત રાત્રી દરમિયાન બેસવા માટે લાકડાના બોક્સ તથા માટલા ગોઠવવામાં આવેલ છે. જેની અંદર લાકડાનો છોલ તથા સૂકું જીણું ઘાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રીડિંગમાં પણ ઉપયોગ કરે છે.
અન્ય સમાચારો પણ છે...