ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ રાજ્યમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. એવામાં પીએમ મોદીએ વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. તો કેજરીવાલે રાજકોટમાં ભવ્ય રોડ શો યોગ્યો હતો. ત્યારે રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ધોરાજીમાં જાહેર સભામાં લલિત વસોયાનો ભાજપ પ્રેમ છલકાતો જોવા મળ્યો હતો. સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું.
લલિત વસોયાનો ભાજપતરફી ઝુકાવ
રાજકોટના ધોરાજી શહેરના વિવિધ માર્ગો ઉપર કોંગ્રેસની પરિવર્તન યાત્રા નીકળી હતી. આ યાત્રામાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય લલિત વસોયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ વોરા, પૂર્વ નગરપતિ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. જોકે, આ દરમિયાન જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ તરફી ઝુકાવ જોવા મળ્યો હતો. લલિત વસોયાએ મંચ પરથી જણાવ્યું હતું કે, જો તમને કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું કહું છું કે, તમે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો.
ભાજપને મત આપવા મામલે લલિત વસોયાની સ્પષ્ટતા
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીની જગ્યાએ ભાજપને મત આપવા માટે અપીલ કરી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જે બાબતે સ્પષ્ટતા કરતા લલિત વસોયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. લલિત વસોયાએ આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા યોગ્ય છે. આમ આદમી પાર્ટી ભાજપના ઇશારે ચાલી રહી હોવાનો લલિત વસોયાએ આક્ષેપ કર્યો હતો. લલિત વસોયાએ વધુમાં કહ્યું કે, ભાજપને મત આપવા માટે હું અપીલ કેમ કરું કેમ કે, 2022 માં હું પોતે ધોરાજી વિધાનસભાનો ઉમેદવાર છું.
અશોક ગેહલોત એક દિવસ ગુજરાતના પ્રવાસે
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોતનો બે દિવસીય પ્રવાસ ટૂંકાવવામાં આવ્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી રવિવારથી બે દિવસના પ્રવાસે આવી રહ્યા હતા પરંતુ 6 નવેમ્બર રવિવારનો તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. ત્યારે અશોક ગેહલોત 7 નવેમ્બર સોમવારના આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અશોક ગહેલોત આજે વડોદરા અને આણંદની મુલાકાતે આવી રહ્યા છે. અશોક ગેહલોત આજે સાડા અગિયાર વાગે પ્લેનમાં જયપુરથી વડોદરા આવવા નીકળશે. તેઓ 12:20 વાગે વડોદરા એરપોર્ટ આવી પહોંચશે. વડોદરા એરપોર્ટથી બાય રોડ તેઓ આણંદના આંકલાવ પહોંચશે. આંકલાવના અસોદરમાં તેઓ પબ્લિક મિટિંગ કરશે. મિટિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ બાય રોડ આંકલાવથી વડોદરાના સાવલી ખાતે પહોંચશે. સાવલીમાં તેઓ વધુ એક પબ્લિક મિટિંગ કરશે. જે બાદ મિટિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ સાવલીથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે.
PM મોદીની ભાવનગરમાં સમૂહલગ્નમાં હાજરી
ભાવનગરના આંગણે યોજાયેલા 551 દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. લખાણી પરિવાર દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં 551 નવદંપતીઓને પીએમ મોદીએ આશીર્વાદ આપ્યા હતા. લખાણી પરિવારને આ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સમાજના અન્ય લોકોને આ કાર્યમાંથી પ્રેરણા લેવા માટે અપીલ પણ કરી હતી. ભાવનગરના જવાહર મેદાનમાં 551 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવી દીકરીઓ છે જે માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી છે. આ સમૂહ લગ્નનું નામ 'પાપાની પરી' આપવામાં આવ્યું હતું.
કેજરીવાલનો રોડ શોમાં મોદી મોદીના નારા લાગ્યા
રવિવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે રાજકોટ, ચોટીલા અને વાંકાનેરમાં રોડ શો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે રાજકોટમાં રોડ-શો યોજાયો હતો. શહેરની કોઠારિયા ચોકડીથી સોરઠિયાવાડી સર્કલ સુધી કેજરીવાલનો રોડ-શો યોજાયો હતો. રોડ-શોના રૂટમાં લોકોએ કેજરીવાલ પર ફૂલનો વરસાદ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા શક્તિ પ્રદર્શનના દૃશ્યો જોવા મળ્યા હતા. જોકે, રાજકોટમાં કેજરીવાલના રોડ શો દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણના એપી સેન્ટર રાજકોટમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.
મારી ABCDની શરૂઆત 'A' ફોર આદિવાસીથી: PM મોદી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ આજે વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. વલસાડના નાના પોંઢામાં યોજાયેલી ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. સાથે કહ્યું હતું કે, મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ એના માટે મારે કામ કરવું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.