કોંગી MLAની કથીરિયાની રાજનીતિને લઈ સ્પષ્ટતા:લલિત વસોયાએ કહ્યુ, ‘અલ્પેશે મને કહ્યું છે, સરકાર મારી માગણીઓ સ્વીકારશે તો હું ભાજપમાં જવા વિચારીશ’

રાજકોટ4 મહિનો પહેલા
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી.

રાજકોટમાં આજે ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા રાજનીતિમાં જોડાશે કે નહીં તે અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અલ્પેશ સાથે મારે વાત થઈ છે, તેણે કહ્યું છે કે, સરકાર જો મારી માગણીઓ સ્વીકારશે તો હું ભાજપમાં જવા વિચારીશ. અલ્પેશ કથીરિયાને રાજનીતિમાં આવવા માટે આપ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય પાર્ટીએ આમંત્રણ આપ્યું છે તેવું મને અલ્પેશે કહ્યું છે.

અલ્પેશની મુખ્ય બે માગણીઓ છે
વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, અલ્પેશની એવી માગણીઓ છે કે, પાટીદાર સમાજના 14 યુવાનો શહીદ થયા તેના પરિવારમાંથી કોઈ એકને સરકારી અને અર્ધસરકારી નોકરી આપવી. પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવા. આ બન્ને માગણી સ્વીકારવા સરકારે જે-તે સમયે ખાતરી આપી હતી. પરંતુ તેનું પાલન કરવામાં આવ્યું નથી. એનું પાલન કરવામાં આવશે તો હું ભાજપમાં જવાનું વિચારીશ એવું અલ્પેશનું કહેવાનું છે.

સરકાર માગણીઓ સ્વીકારવા તૈયાર નથી
વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, જો અલ્પેશની માગણી અને પાટીદાર સમાજની માગણી સરકારે સ્વીકારવી હોત તો 2015ની આ વાત આજે 2022માં 7 વર્ષ પૂરા થવામાં છે. સરકારે આ વાત સ્વીકારી નથી એના પરથી સ્પષ્ટ થાય છે કે, ક્યાંક ક્યાંક સરકારમાં બેઠેલા લોકોની પાટીદાર સમાજ પ્રત્યેની ઘૃણા છે. પાટીદાર સમાજ સામેનો રોષ છે એટલા માટે આ કેસો પરત ખેંચતા નથી.

મોદી ખોડલધામનું આમંત્રણ સ્વીકારે છે કે નહીં તે જોવું રહ્યું
વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે, 19 ઓક્ટોબરે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાતે આવે છે. ત્યારે તેઓ ખોડલધામમાં ધ્વજા ચડાવે તેવો કાર્યક્રમ રાખે એના માટે ખોડલધામ સમિતિએ આમંત્રણ આપ્યું છે. દરેક વર્ગ કે સમાજ આ દેશના વડાપ્રધાનને આમંત્રણ આપવાનો અધિકાર ધરાવે છે. એ રીતે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે જોઈએ કે વડાપ્રધાન આ આમંત્રણનો સ્વીકાર કરે છે કે નહીં.

અન્ય સમાચારો પણ છે...