મોંઘવારીએ માજા મુકી:રાસાયણિક ખાતરના ભાવ વધારાથી કોંગ્રેસના MLA લલિત વસોયા લાલઘૂમ, કહ્યું- કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ખેડૂત વિરોધી

રાજકોટ3 મહિનો પહેલા
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ પર પ્રહાર કર્યા.
  • ખેતઓજારો અને ખાતર સહિતના ભાવ વધી જતાં ખેડૂતોની હાલત કફોડી બની

દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી સાથે પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત થતો વધારો અને ખાતરના ભાવમાં કમરતોડ વધારો થતા ખેડૂતોમાં ચિંતા વધી છે. વધતા જતા ખાતરના ભાવ વધારાને લઇ ધોરાજ-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી સરકારને ખેડૂત વિરોધી સરકાર ગણાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, એક બાજુ ખેડૂતો વીજળી, પાણી સહિત અનેક સમસ્યાથી પીડિત છે. બીજી તરફ કોરોનાની વૈશ્વિક મહામારી બાદ ખેત મજૂરોની ખેંચ વર્તાય રહી છે. આ ઉપરાંત ખેતપેદાશોના પુરતા પોષણક્ષમ ભાવો ન મળતા હવે ખાતરના ભાવમાં કમરતોડ વધારો થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે.

મત મેળવવા ભાજપ ભાવ ઘટાડે અને ચૂંટણી પુરી થાય પછી વધારે
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ખાતરના ભાવ અંગે ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. તેમણે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અગાઉ એપ્રિલ માસમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, ચૂંટણી નજીક આવતી હોવાથી સરકાર દ્વારા ખેડૂતોના મત મેળવવા માટે ભાવ વધારો રદ કરવામાં આવ્યો હતો. આજે ચૂંટણી પુરી થઇ જતાં ફરી ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી દ્વારા 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરી દેવામાં આવશે તેવું કહેવામાં આવતા આજે ખેતઓજારો અને ખાતર સહિતના ભાવ વધી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

ખાતરમાં વધેલા ભાવ
- કોટાસ 950થી વધારીને 1015 કરવામાં આવ્યા
- એએસપી 950થી વધારીને 1200 કરવામાં આવ્યા
- એનપીકે 1185થી વધારીને 1450 કરવામાં આવ્યા
- એમોનિયા સરફેડ 650થી વધારીને 775 કરવામાં આવ્યા

કૃષિમંત્રી રાઘવજી પટેલ ત્વરિત ભાવ ઘટાડો કરેઃ લલિત કગથરા
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, દિવાળી પહેલા ખેડૂતો પર વધુ એક મોંઘવારીનો માર નાખવામાં આવ્યો છે. એક વર્ષમાં ખાતરના ભાવમાં સરેરાશ 20થી 25 ટકાનો વધારો ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતો મોંઘવારીમાં પીસાય છે. ખાતરમાં ભાવ વધતા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને મોંઘવારીનો માર આપવામાં આવે છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ ત્વરિત ભાવ ઘટાડો કરવા નક્કર પ્રયત્ન કરે છે. રાજ્ય સરકારના નક્કર પ્રયત્નથી કેન્દ્ર સરકાર ખાતરના ભાવ ઓછા કરી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...