તપાસમાં ઢીલી નીતિ:‘ભ્રષ્ટાચારની કચેરી’ની તપાસમાં ઘનિષ્ઠ અભિગમને બદલે શરૂ થઇ ‘લાલિયાવાડી’

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જસદણની ઘટનામાં જિ. પંચાયતની બાંધકામ શાખાના એન્જિનિયર્સ સામે તપાસમાં ઢીલી નીતિ

રાજકોટ જિલ્લાના જસદણની તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવનારા બે એન્જિનિયરે કોન્ટ્રાક્ટર્સના બિલ પાસ કરાવવા સહિતની કામગીરી માટે ભાડાનું મકાન રાખી ત્યાંથી જ ‘વહીવટ’ શરૂ કર્યાની ચોંકાવનારી ઘટનાની તપાસમાં 24 દિવસનો સમય વીતી ગયા બાદ પણ જિલ્લા વિકાસ અધિકારીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી તપાસમાં કોઇ ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાની છાપ ઉપસી રહી છે.

ઘટના બહાર આવી ત્યારે અધિક મદદનીશ ઇજનેર ઠાકરશી કોબિયા અને નિરવ મકવાણા પોતાની રીતે ભાડાનું મકાન રાખીને સરકારી કચેરીના બદલે અન્ય સ્થળે સરકારી ફાઇલો લઇ જઇને વહીવટ કરતા હતા, તે બન્નેને રાજકોટ હેડક્વાર્ટર ખાતે પરત બોલાવી લેવાયા બાદ ડીડીઓએ ઠાકરશી કોબિયાને સસ્પેન્ડનો ઓર્ડર કર્યો હતો. તપાસ સોંપાયાને 24 દિવસ થઇ ગયા છે છતાં બે વચેટિયાં અને અન્ય જે લોકો આ ઘટનામાં સંડોવાયા છે તેની સામે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી અને ફાઇલો કચેરીની બહાર શા માટે લઇ જવાઇ તે મુદ્દે પણ હજુ કશું બહાર આવ્યું નથી.

તપાસમાં બહાર ન આવેલી વિગતો

  • ભ્રષ્ટાચારની કચેરી કેટલા વર્ષોથી ચાલી રહી હતી?
  • વીડિયોમાં ભ્રષ્ટાચારરૂપી કામગીરી થઇ રહી છે તે ત્યાં પૂરતી જ સીમિત છે કે, ઉપર સુધી?
  • ઓફિસમાંથી દસ્તાવેજો ગાયબ થયા તો ઓફિશિયલ સિક્રેટ એક્ટનો સહારો લેવાયો કે કેમ?
  • ભાડાના મકાન અંગે એગ્રીમેન્ટ થયું છે કે નહીં?
  • ક્યા ક્યા કોન્ટ્રાક્ટરના બિલો પાસ થયા, કેટલાના અટક્યા? શું વહીવટ થયો?
  • ભ્રષ્ટાચારની કચેરીમાંથી વીંછિયાના કેટલાક દસ્તાવેજો પણ મળ્યા હતા, તે બાબતે શું હશે?
  • એસીબીની ટુકડીએ જસદણ દોડી જઇ નિવેદનો નોંધ્યા હતા!
અન્ય સમાચારો પણ છે...