પોલીસ એક્શનમાં:ગોંડલના ચરખડી ગામે વાડીમાંથી ગેરકાયદે 10 હજાર લિટર બાયોડીઝલ ભરેલું ટેન્કર ઝડપાયું

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ટેન્કર ઝડપી પોલીસ સ્ટેશન લાવ્યા. - Divya Bhaskar
પોલીસે ટેન્કર ઝડપી પોલીસ સ્ટેશન લાવ્યા.
  • ગઈકાલે જયેશ રાદડિયાએ ગેરકાયદે ચાલતા બાયોડીઝલના વેપલાને 100% નાબુદ કરવા જણાવ્યું હતું

ગોંડલ તાલુકાના ચરખડી ગામે વાડીમાં SOGની ટીમે બાતમીના આધારે રેડ પાડતા ગેરકાયદે 10 હજાર લિટર બાયોડીઝલ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું છે. આ વાડી વિરેન ઉર્ફે કનો રમેશભાઇ માવાણીની હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ ટેન્કરમાં ભરેલું 10 હજાર લિટર બાયોડીઝલની કિંમત 6 લાખ છે. પોલીસે 10 હજાર લિટર બાયોડીઝલ અને ટેન્કર નં. GJ 12 w 7469 સહિત 16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રાજકોટ રેન્જના 5 જિલ્લામાં 1121 જેટલી રેડ કરવામાં આવી
ગેરકાયદે બાયોડીઝલના વેચાણ અને સંગ્રહને અટકાવી કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. જોકે આમ છતાં પણ રાજકોટ શહેર અને જિલ્લામાં ફરી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો શરૂ થઇ ગયો છે. અને રાજકોટ રેન્જના 5 જિલ્લામાં છેલ્લા 30 દિવસથી 1121 જેટલી રેડ કરવામાં આવી છે ત્યારે આ મુદ્દે પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ ગઈકાલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, બાયોડીઝલ નાબૂદ કરવા પોલીસ સાથે સંકલન કરી મોટાપાયે દરોડા પાડવામાં આવશે. અને ગેરકાયદેસર ચાલતો બાયો ડિઝલનો વેપાર 100% નાબુદ થાય તેવા પ્રયત્નો અમે કરશું.

બે દિવસ પહેલા સૌરાષ્ટ્રની સૌથી મોટી બાયોડીઝલ રેડ પડી હતી
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રાજકોટ જિલ્લા SOG પોલીસ દ્વારા ધોરાજીના સુપેડી ખાતેથી સૌરાષ્ટ્રની સૌથી મોટી બાયોડીઝલ રેડ કરવામાં આવી હતી. જેમાં ધોરાજીના સુપેડી ખાતે રેડ કરી 75,000 લીટર ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે કુલ રૂ.63 લાખનો મુદામાલ કબ્જે કરી 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.