ખાદ્ય તેલ ભડકે બળ્યું:માર્કેટમાં કપાસ-મગફળીની અછત, 10 દિવસમાં સીંગતેલમાં રૂ.75, કપાસિયામાં 50નો ભાવવધારો

રાજકોટ2 મહિનો પહેલા
  • ઇમ્પોર્ટમાં તેજી આવતાં સીંગતેલ અને કપાસિયા તેલનો એકસરખો ભાવ

ખાદ્ય તેલ ભડકે બળી રહ્યું છે, કારણ કે છેલ્લા 10 દિવસમાં સીંગતેલમાં 75 રૂપિયા વધીને એક ડબ્બાનો ભાવ 2725 રૂપિયા થયો છે તેમજ કપાસિયા તેલમાં 50 રૂપિયાનો ભાવ વધતાં એક ડબ્બાનો ભાવ 2725 રૂપિયાએ આંબી ગયો છે. પામોલીન તેલમાં 50 રૂપિયાના ભાવવધારો થતો 2470 રૂપિયાએ એક ડબો મળી રહ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવવધારા પાછળ એકમાત્ર કારણ માર્કેટમાં કપાસ અને મગફળીની અછત.

મગફળીની આવક ઘટતાં પિલાણ ઘટ્યું
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશન (સોમા)ના પ્રમુખ કિશોર વીરડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી સીંગતેલ, કપાસિયા તેલ અને ઇમ્પોર્ટ તેલની અંદર તેજી આવી છે. સીંગતેલમાં 2650 રૂપિયાથી વધીને 2725 રૂપિયા થયા છે. કપાસિયા તેલમાં પણ સીંગતેલ પણ સમકક્ષ 2725 રૂપિયા ભાવ છે, જેમાં 50 રૂપિયાનો વધારો નોંધાયો છે. બંનેના સમકક્ષ ભાવનું એક જ કારણ છે કે ઇમ્પોર્ટમાં તેજી આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં મગફળીની આવક અને પીલાણ ઓછું છે. મગફળી ન મળતી હોવાથી મિલો બંધ છે. બીજી તરફ સીંગતેલની માગ ઘટી છે.

ખેડૂતો મગફળીનાં બિયારણની ખરીદી કરવા નીકળ્યા
કિશોર વીરડિયાએ વધુમાં જણાવ્યું હતું કે હવે આગામી ચોમાસાને આડે હવે બે મહિના બાકી હોવાથી ખેડૂતો પણ માર્કેટમાં મગફળીનું બિયારણ લેવા નીકળ્યા છે, આથી ખાસ કરીને સરકારને વિનંતી છે કે જે ખેડૂતો પાસેથી આપણે 1110 રૂપિયામાં મગફળી ખરીદી હતી તે દરેક ખેડૂતોને બિયારણરૂપે મગફળી એ જ ભાવમાં પરત આપે. જેથી કરીને આવતા વર્ષની અંદર મગફળીનું વાવેતર ઘટશે. અત્યારે તો એવું અનુમાન છે કે ગત સીઝન કરતા આગામી સીઝનમાં 50 ટકા જ મગફળીનું વાવતેર થશે. હાલ કપાસના ભાવ ખૂબ ઊંચા છે તો ખેડૂતો મગફળીનું વાવેતર ઘટાડી કપાસનું વાવેતર વધારશે.

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશન (સોમા)ના પ્રમુખ કિશોર વીરડિયા.
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશન (સોમા)ના પ્રમુખ કિશોર વીરડિયા.

સરકારે ખેડૂતોને મગફળીનું બિયારણ આપવું જોઇએ
ખેડૂતોને બિયારણના રૂપમાં મગફળી સરકારે આપવી જોઇએ, એવું કહી કિશોર વીરડિયાએ જણાવ્યું હતું કે જો બિયારણના સ્વરૂપે એક એક ખાંડી મગફળી ખેડૂતોને આપવામાં આવે તો આવતા વર્ષનું પણ આપણે નક્કી કરી શકીએ કે, સીંગતેલમાં તેજી ઓછી થાય. હાલ ખેડૂતો માર્કેટ યાર્ડમાં બિયારણ માટે મગફળીના 1300થી 1350 રૂપિયા ચૂકવે છે. માટે એનું પિલાણ ઓછું છે, જેથી કરીને તેજી જોવા મળી રહી છે.