સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલમાં વારંવાર જુદા જુદા પ્રશ્નો મુદ્દે વિદ્યાર્થીઓએ રજૂઆતો અને સૂત્રોચ્ચાર કરવા પડે છે છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી નથી ત્યારે શનિવારે મોડી રાત્રે યુનિવર્સિટીની ગિરનાર સહિતની હોસ્ટેલોમાં સફાઈ, ગરમ પાણી, પીવાનું પાણી, સિક્યુરિટી સહિતની જુદી જુદી 16 જેટલી સમસ્યાઓ અંગે શનિવારે રાત્રે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જ કુલપતિ બંગલા પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.
અખિલ ગુજરાત વિદ્યાર્થી પરિષદ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ એકઠા થઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોડી રાત્રે કરાયેલા સૂત્રોચ્ચાર બાદ યુનિવર્સિટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓની 17 જેટલી સમસ્યાનું નિરાકરણ 17મી સુધીમાં લાવવા લેખિતમાં ખાતરી આપી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, બોયઝ હોસ્ટેલમાં છેલ્લા ઘણાં સમયથી યોગ્ય પ્રમાણમાં સફાઈ થતી નથી, બિલ્ડિંગની બિસમાર હાલત, લાઈટ- પાણીની સવલત ઉપલબ્ધ નથી.
પરીક્ષા ટાણે જ અસુવિધાથી વિદ્યાર્થીઓને તૈયારીમાં વિક્ષેપ
13 ડિસેમ્બરને મંગળવારથી યુનિવર્સિટીની જુદા જુદા કોર્સની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે પરીક્ષા સમયે જ હોસ્ટેલમાં જુદી જુદી સમસ્યાઓ ઉદભવતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, પાણીના અભાવે શિયાળામાં ઠંડા પાણીએ નહાવું પડે અને પરીક્ષામાં જ બીમાર પડીએ તો કોણ જવાબદારી લેશે.
હોસ્ટેલની આ 16 સમસ્યા 17મી ડિસેમ્બર સુધીમાં નિવારવા લેખિતમાં ખાતરી આપી
ગરમ પાણીની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, ડ્રેનેજની સમસ્યા, સીસીટીવી સમસ્યાનું નિવારણ, બધા જ રૂમમાં લોકર, હોસ્ટેલમાં નિયમિત સાફસફાઈ, હોસ્ટેલમાં ઈલેક્ટ્રિસિટી રિપેરિંગ, રૂમ નં.25માં બારીનું સમારકામ, હોસ્ટેલનું ફર્નિચર રિપેરિંગ , શૌચાલયમાં સમારકામ, નળ બદલવા, પાર્કિંગ વ્યવસ્થા, હોસ્ટેલનો મુખ્ય દરવાજો, હોસ્ટેલમાંથી પાણીનો નિકાલ, સેમિનાર હોલમાં ટેબલ-ખુરશીની વ્યવસ્થા, વાઈફાઈમાં સ્ટુડન્ટ લોગીન ક્રિએટ કરવું, હોસ્ટેલના દરેક રૂમની મચ્છરજાળી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.