ગુજરાતના RTOમાં કાર્ડની અછત:ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રિન્ટ માન્ય ગણાશે; રાજ્યભરની આરટીઓમાં ત્રણ માસથી કાર્ડની તંગી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજકોટ સહિત રાજ્યભરની RTOમાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેના કાર્ડ ખલાસ થઇ જતાં અરજદારોને લાઇસન્સ આપવાની કામગીરી છેલ્લા ત્રણ માસથી ઠપ થઇ ગઈ છે. અગાઉ થોડાંઘણાં કાર્ડ આવ્યાં હતાં એ પણ સમાપ્ત થઇ જતાં હવે રાજ્યના પરિવહન વિભાગે ખાસ પરિપત્ર કરીને જણાવ્યું હતું કે સ્માર્ટકાર્ડ આવે ત્યાં સુધી અરજદારો પરિવહન વિભાગની વેબસાઈટ પરથી ડ્રાઈવિંગ લાઇસન્સ એ4 સાઈઝમાં પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશે અને એ પણ માન્ય ગણાશે.

એજન્સીનો કરાર પૂર્ણ થતાં કાર્ડ પુરવઠો અટક્યો
આ ઉપરાંત પરિવહન અને ડીજીલોકરમાં પણ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઈવિંગ લાઇસન્સ પણ માન્ય ગણાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાઇસન્સ સપ્લાય કરતી એજન્સીનો કરાર પૂર્ણ થતાં કાર્ડનો સપ્લાય અટકી ગયો છે. અગાઉ હલકી ગુણવત્તાનાં ડ્રાઈવિંગ લાઇસન્સનાં કાર્ડ વાહનચાલકોને અપાતાં રોષ ફેલાયો હતો. આ ઉપરાંત કેટલાક અરજદારોને કાર્ડના અભાવે બે-બે મહિનાથી લાઇસન્સ મળ્યું નથી.

ઓનલાઈન લાઈસન્સ માન્ય ગણાશે
લાઇસન્સના કાર્ડના અભાવે દરરોજના 600થી વધુ અરજદારોનાં લાઇસન્સ ઈસ્યુ થઇ શકતાં નથી, જેથી તાજેતરમાં જ પરિવહન વિભાગે એક પરિપત્ર કર્યો છે, જેમાં જણાવાયું છે કે mparivahan અને Digilocker ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય દસ્તાવેજ ગણાશે. અરજદારની અરજી એપ્રૂવ થયેથી સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અરજદારના રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે એ સમયગાળામાં અરજદાર ડ્રાઇવિંગ લાઇસન્સના એ-4 સાઈઝ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકે છે, જે અરજદાર અરજી એપ્રૂવ થયેથી અરજદારને મોબાઇલ નંબર પર મળેલી એસએમએસ લિંક અથવા સારથી પોર્ટલ પર પ્રિન્ટ ડ્રાઈવિંગ લાઇસન્સ વિકલ્પ પસંદ કરી ડાઉનલોડ કરી શકે છે અને ડાઉનલોડ કરેલા આ દસ્તાવેજ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 અંતર્ગત માન્ય છે.