રાજકોટ શહેરમાં પૂરજોશથી વેક્સિનેશન ચાલી રહ્યું છે, પણ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અંધશ્રદ્ધા અને ડરના કારણે રસીથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે વેક્સિનેશન પ્રત્યે જાગૃતિ લાવવા માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમને ગામડામાં મોકલવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી મનોવિજ્ઞાન ભવનની ટીમ ગામડામાં જઈ સર્વે કરી વેક્સિન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે. જે સર્વેમાં ગ્રામ્ય પ્રજા એવું વિચારે છે કે, ‘વેક્સિન એ સરકારનું વસ્તી ઓછી કરવાનું કાવતરું છે’. આવી અંધશ્રદ્ધા અને વેક્સિન અંગેની ખોટી ભ્રમણાને દૂર કરવા મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા મનોવૈજ્ઞાનિક ઢબે વિવિધ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. વેક્સિન અંગે જાગૃતિ લાવતો આવો જ એક નાટકીય સંવાદ મનોવિજ્ઞાન ભવન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થી અને ગામડાના વ્યક્તિ સાથે થયેલો સંવાદ
વિદ્યાર્થી: જયશ્રી ક્રિષ્ના
ગામડાનો વ્યક્તિ: કેમ છો? બસ મજામાં
વિદ્યાર્થી: શું ચાલે?
ગામડાનો વ્યક્તિ: બસ જો ચાલ્યા કરે. આ કોરોના તો મૂઓ જાય તો સારુ. તમે તો ગામ આખાને સમજાવો છો તો અમને કંઈક કહો, માર્ગદર્શન આપો.
વિદ્યાર્થી: અરે વડીલોને શું માર્ગદર્શન આપવાનું? વાતચીત કરવાની હોય. તમારે અમને આશીર્વાદ આપવાના હોય. વેક્સિન લીધી કે કેમ તમે બધાએ?
ગામડાનો વ્યક્તિ: ના બેટા આ બધા કહે છે કે, વેક્સિનથી લોકો મૃત્યુનો ભોગ બંને છે, વેક્સિન એ એક રૂપિયા કમાવવાનું કાવતરું છે, વેક્સિન એ સરકારને વસ્તી ઓછી કરવાનું કાવતરું છે, કોઈ લે છે તો જીવતા જ નથી, 3-3 કલાક બેસાડી રાખે છે, વારો આવતો નથી, એમાંથી જ કોરોના થાય છે, એ નર્સ કેટલાને અડતી હોય, વેક્સિનથી તાવ આવે, ઉલ્ટી થાય, હાથ દુખે એટલે એમાંથી કોરોના થાય, કંઈ સારી અને કંઈ ડુપ્લિકેટ વેક્સિન હોય કેમ ખબર પડે, ડુપ્લિકેટ વેક્સિનના કૌભાંડો બહાર પડે છે એ વાત સાચી છે?, આમાં અમારે વેક્સિનનું માનવું શું? કોરોના મટાડે છે કેમ કેમ?
વિદ્યાર્થી: આપણે માની લઈએ એમ દુનિયા ન ચાલે. હું એમ કહું ત્યારે રાત અને હું કહું ત્યારે દિવસ તો એમ થાય? ન થાય. તમે એ તમે છો- બીજા એ બીજા છે. ધારો કેમ કોઈ એક વ્યક્તિએ વેક્સિન લીધી અને તાવ આવ્યો તો જરૂરી નથી તમને આવે જ. અચ્છા એ કહો તમને જમવામાં કંઈ વસ્તુ માફક આવતી નથી?
ગામડાનો વ્યક્તિ: રાત્રે ખટાશવાળી વસ્તુ માફક આવે નહિ.
વિદ્યાર્થી: તો હું રાત્રે ખટાશ ખાઉ તો મને કશી તકલીફ ન થાય. મને એવી વાત મળી તમારી ભેંસ મરી ગઈ, તમારા ઘરવાળાને કોરોના હતો. તમારા ઘરવાળા ભેંસને અડ્યા એટલે ભેંસને કોરોના થયો હશે એટલે મરી ગઈ.
ગામડાનો વ્યક્તિ: આવી વાત તમને કોને કરી? એવુ કંઈ છે જ નહિ, મારાં ઘરવાળાને કંઈ થયું જ નથી. અને મારી ભેંસ જીવતી જ છે. આવી અફવા કોને ફેલાવી?
વિદ્યાર્થી: તો બસ મારે આ જ શબ્દ જોઈતો હતો. તમે બધા અફવાને સાચું માની લ્યો છો. મને કોઈએ આવી વાત કરી ન હતી. મેં એમ જ કહ્યું હતું. આ બધી અફવાઓ પર ભરોસો ન કરો. વિચારો વેક્સિનમાં કશુક હશે તો જ લોકો લેતા હશે ને? મેં પણ લીધી છે અમારા સ્ટાફના બધા સભ્યોએ લીધી છે. મારાં ઘરના બધા સભ્યોએ લીધી છે તો અમને તો કશું ન થયું. તો તમે કેમ માની લીધું કે તમને કશુક થશે. જો થવાનું હશે તો ગમે ત્યારે ગમે ત્યા થાય છે એવુ નથી કે વેક્સિન લીધે જ થાય. અમે લીધી તો અમારામાંથી કોઈને કંઈ થયું નથી. હા એક છે કેમ વેક્સીન લીધા પછી કોરોના ન આવે તો એ માન્યતા જુદી છે. સરકારે એવુ ક્યારેય જાહેર કર્યું નથી કે વેક્સીન લ્યો તો કોરોના ન આવે. વેક્સીન લ્યો તો કોરોના સામે તમારું શરીર જંગ લડી શકે. તાવ, શરદી, ઉધરસ, ઉલ્ટી ઉબકા એ બીમારી પહેલાની અત્યારની નથી. એ સામાન્ય છે. જો સરકાર આટલી મહેનત આપણી જેવી જનતા માટે કરી શક્તિ હોય તો આપણે તેને સહકાર આપવો એ આપણી જવાબદારી છે.
ગામડાનો વ્યક્તિ: વેક્સિનના ફાયદા શું છે ?
વિદ્યાર્થી: જો વેક્સિન લીધા પછી કોરોના આવે તો આપણું શરીર કોરોના સામે લડવા સક્ષમ બનશે, તમારી રોગપ્રતિકારક શક્તિ વધે, તમને બીજો કોઈ રોગ અસર ન કરી શકે, વેક્સિન લીધા બાદ જો તાવ આવે તો એ જ સાચી વેક્સીન લાગી કહેવાય. અને વેક્સિન તમારા શરીરને અસર કરી કહેવાય, જો તમે વેક્સિન લીધેલી હશે તો તમારા ઘરના ને ચિંતા નહિ રહે, તમને બહાર હરવા ફરવા મળશે. નહીંતર ઘરમાં પુરાઈ રહેવું પડશે, વેક્સિન લેવાથી તમે શાંતિ અનુભવશો કે હવે કોઈપણ કોરોનાવાળી વ્યક્તિ તમને સ્પર્શ કરશે તો પણ તમને કશું નહિ થાય. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશો, માટે વેક્સિન લ્યો અને સુરક્ષિત રહો
ગામડાનો વ્યક્તિ: તમારા જેવા કોઈ ભણેલ ગણેલ અમને સાચી સલાહ આપે તો અમને ખબર પડે બાકી અમે તો આ બધું છાપામાં આવે અને ટીવીમાં આવે એ બધું સાંભળીએ એટલે એમ થાય કે નથી લેવી. અમે લઇ લેશું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.