રાજકોટમાં કરણી સેનાનો વિરોધ:કુવાડવા પો. સ્ટેશનમાં રાજકીય કિન્નાખોરીથી સસ્પેન્ડ થયેલા ASIનું સસ્પેન્શન રદ કરવા માગ

રાજકોટ3 મહિનો પહેલા
જિલ્લા પંચાયત ચોક ખાતે સુત્રોચ્ચાર કર્યા.

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં રાજકીય નેતા દબાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આ ASIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જોકે આજે કરણી સેનાએ રાજકોટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, રાજકીય કિન્નાખોરીથી સસ્પેન્ડ થયેલા ASIનું સસ્પેન્શન રદ કરવા અમારી માગણી છે. પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ASIને ફરી નોકરી પર પરત લેવામાં આવે તેવી માગ કરી છે. તેમજ કરણી સેનાએ જિલ્લા પંચાયત ચોક ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

ASIને કારણ વગર સસ્પેન્ડ કરવામાં આવ્યા
કરણી સેનાએ CPને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અમે આપને રજૂઆત કરીએ છીએ કે, અમારા ક્ષત્રિય સમાજના રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિષ્ઠાવાન ASI હિતેન્દ્રસિંહ ઝાલાને વારંવાર રાજકીય દખલ અંદાજ થતી રહેતી અને આ વિષયે તેઓને કોઈ પણ યોગ્ય કારણ વગર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે અમારું સંગઠન કરણી સેના અને ક્ષત્રિય સમાજ આ બાબતે નારાજ છે અને અમારો વિરોધ પણ છે. આ બાબતે આપને અમે જણાવીએ છીએ કે, આપ તટસ્થતાથી તપાસ કરીને જેમનો અત્યાર સુધીનો રેકોર્ડ પણ સ્વચ્છ છે એવા હિતેન્દ્રસિંહ ઝાલાના સસ્પેન્શનને રદ કરીને તેઓને ફરીથી ફરજમાં લેવા અમારી લાગણી અને માગણી છે.

રાજકીય હસ્તક્ષેપ અંગે કડક કાયદો બનાવવા માગ
આ અંગે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા કુવાડવા પોલીસ સ્ટેશનના ASI હિતેન્દ્રસિંહ ઝાલાને જે રીતે રાજકીય ઇશારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેનો વિરોધ કરવા અને પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ. પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે, આની તટસ્થ રીતે તપાસ થાય. એક કમિટી બનાવવામાં આવે અને તેના માધ્યમથી હિતેન્દ્રસિંહને ન્યાય અપાવે. દેશના વડાપ્રધાન ક્રાંતિકારી વિચારધારા ધરાવે છે. એ કઈક નવું કરવાવાળા છે. પોલીસ પર રાજકીય હસ્તક્ષેપ થઈ રહ્યો છે તેને નિવારવા માટે કડકમાં કડક કાયદા બનાવે તેવી મારી માગ છે.