કોળી સમાજના વડા કોણ?:અજિત પર કુંવરજી બાવળિયા ભડક્યા, કહ્યું- 'કૂતરું ભલે મોઢું ચાટી જાય, આપણે કાંઈ એનું મોઢું ન ચાટવાનું હોય'

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • અજિત પટેલ અગાઉ કહી ચૂક્યા છે કે મારે કુંવરજીભાઈ સાથે વાત થઈ નથી ને સમાધાન વળી કેવું?
  • કોળી સમાજના પ્રમુખપદે અજિતે પોતાને જાહેર કરતાં નવો ડખો, હવે રાષ્ટ્રપતિના અપમાનની વાત

અખિલ ભારતીય કોળી સમાજની સ્‍થાપનાને 50 વર્ષ પૂરાં થતા 14મેના રોજ સુરતમાં ગોલ્ડન જ્યુબિલી મહોત્સવ યોજાયો હતો. એમાં અખિલ ભારતીય કોળી સમાજના બની બેઠેલા અધ્‍યક્ષ અજિત પટેલે રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ કુંવરજી બાવળિયાની હકાલપટ્ટી કરતાં સમગ્ર દેશના કોળી સમાજમાં ઘેરા પ્રત્‍યાઘાતો પડ્યા છે. ત્‍યારે પોતાના પર થયેલા આરોપોના મુદે કુંવરજી બાવળિયાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. એમાં તેમણે જણાવ્‍યું હતું કે અજિત પટેલને બોલવાનું ભાન નથી, કૂતરું ભલે મોઢું ચાટી જાય, આપણે કાંઈ એનું મોઢું ન ચાટવાનું હોય. મેં કાંઈ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું નથી. જ્યારે નરેશ પટેલ વિશે બાવળિયાએ સોરી...કહી વાત ટૂંકાવી હતી.

સમાજ જ પ્રમુખની ચૂંટણી કરવાનો નિર્ણય લેશેઃ બાવળિયા
કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે સમાજનો પ્રમુખ તો હું જ રહીશ, અજિત પટેલે ભૂલ સ્વીકારી લીધી છે. જે વિવાદ ચાલી રહ્યો છે એનો અંત આવી ગયો છે. મારી અને અજિત પટેલ વચ્ચે જે ગેરસમજ હતી એ હવે દૂર થઈ ગઈ છે. આગામી દિવસોમાં જ્યારે કોર્ટ મુદત આવશે ત્યારે આ કેસ અજિત પટેલ દ્વારા પરત ખેચી લેવામાં આવશે અને ત્યાર બાદ સમાજ જે નક્કી કરશે એ પ્રમાણે ઇલેક્શન અથવા તો સિલેકશન થશે. ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા દ્વારા આ વિવાદ મામલે સમાધાન થઇ ગયું હોવાનો અને સામાજિક વિવાદ હવે પૂરો થઇ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

'દિલ્હીમાં સમાજનું ભવન બાંધવામાં મારો સિંહફાળો'
દિલ્હીમાં સમાજનું ભવન ઊભું કરવા મુદ્દે બાવળિયાએ જણાવ્યું હતું કે ત્યારે મેં રાજકીય વગ વાપરીને વ્યાપક ડોનેશન એકઠું કરી દીધું હતું. સમાજના ભવનની જવાબદારી સત્યનારાયણ પવારને સોંપવામાં આવી હતી. છેલ્લાં ત્રણેક વર્ષથી ડોનેશનના હિસાબનો વિવાદ ચાલે છે. સંચાલન સંભાળતા જૂથ દ્વારા હિસાબ આપવામાં આવતો નથી. પોતાને પણ કોઇ જવાબ આપવામાં આવતો નથી, પરંતુ પોતે સતત દબાણ કરી રહ્યા હોવાથી આર્થિક ગોટાળા ઢાંકવા માટે આ જૂથે બારોબાર જાહેરાત કરી દીધી હતી.

શું છે કોળી સમાજમાં બે ફાંટા પડવાનું કારણ?
આ સમગ્ર વિવાદની હકીકત એવી છે કે અજિત પટેલે 14 મેના રોજ સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરી હતી, જેમાં પોતાને અખિલ ભારતીય કોળી સમાજના નવા પ્રમુખ તરીકેની જાહેરાત કરી દીધી હતી. બાદમાં બાવળિયા પર આક્ષેપો કર્યા હતા કે કુંવરજી બાવળિયા ત્રણ ટર્મ સુધી સમાજના પ્રમુખ રહ્યા બાદ 10 જૂન 2020ના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થતો હોવા છતાં એક વર્ષ માટે કાર્યકાળ લંબાવ્યો હતો. કાર્યકાળ પૂર્ણ થયા બાદ પ્રમુખ ન હોવા છતાં પોતાને પ્રમુખ માની મનસ્વી રીતે સંગઠનની ખોટી રીતે કામગીરી કરતા આવ્યા છે.

અજમેરમાં જનરલ સભાના વિરોધમાં હતા કુંવરજી
અજિત પટેલે બાવળિયા પર આક્ષેપો કરતાં વધુમાં જણાવ્યું હતું કે અજમેર ખાતે જનરલ સભા બોલાવવાનો વિરોધ કરી સભા દિલ્હી ખાતે બોલાવવાની ખોટી જીદ કર્યા બાદ તેઓ સતત સમાજવિરોધી પ્રવૃત્તિ કરતા હતા, સાથે જ મનસ્વી રીતે દિલ્હી ખાતે બેઠક બોલાવી કેટલાક માનીતા લોકોને હાજર રાખી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલાનું ખોટું ચલાવતા હતા. આટલું જ નહીં, અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણીમાં પણ તેમણે વિરોધ કર્યો હતો. ત્યારે આ બાબતને અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના હોદ્દેદારો સાથે સમાજના આગેવાનોએ ખૂબ જ ગંભીરતાથી લીધી હતી.

બાવળિયા જૂથે અજિત પટેલ ટોળકીનો બહિષ્કાર કર્યો
વિધાનસભા ચૂંટણી વર્ષમાં હવે કોળી સમાજમાં વિવાદ સર્જાયો છે. રાજકોટ-સૌરાષ્ટ્રના કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખપદેથી હાંકી કાઢીને અજિત પટેલે પોતાને પ્રમુખ ઘોષિત કરતાં ભડકો સર્જાયો છે. સામસામા આક્ષેપો વચ્ચે બાવળિયા જૂથે વિશાળ સંમેલન બોલાવવાની તૈયારી શરૂ કરી છે. બીજી તરફ, કોળી સમાજના લોકોએ અજિત પટેલ ટોળકીનો બહિષ્‍કાર કર્યો છે.

કમિટીએ લીધેલો નિર્ણય પાયાવિહોણો છે
અખીલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠવાલાએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરવાની માહિતી જે બહાર ફરી છે એ અંગે કહેવું છે કે કમિટી દ્વારા લેવાયેલો નિર્ણય પાયાવિહોણો છે અને સંવિધાનની અંદર આ નિર્ણય લેવાની કમિટીને સત્તા નથી. હા, હું માનું છું કે ડિસ્પ્યૂટ છે અને એ કોર્ટની અંદર ચાલે છે, જેનો કોઈ નિર્ણય આવ્યો નથી, આથી અજિતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો દાવો કરતા હોય તો એ સત્યથી ઘણું દૂર છે. સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી થઈ હતી એમાં ઘણી જ પાંખી સંખ્યા જોવા મળી હતી. એમાં ફક્ત 400થી 500 લોકોની હાજરી હોય એ શરમજનક વાત છે.

અન્ય સમાચારો પણ છે...