આપઘાતના 3 બનાવ:કુંકાવાવના વિદ્યાર્થીએ એસિડ પીધું, પિતાએ રાજકોટમાં ધો.12નો અભ્યાસ કરવો પડશે કહેતા માઠું લાગતા પગલું ભર્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવાનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક યુવાનની ફાઈલ તસવીર.
  • મૃતક વિદ્યાર્થી માતા-પિતાનો એકનો એક પુત્ર હતો, પિતા ખેતી કરે છે
  • 80 ફૂટ રોડ પર પટેલનગરમાં યુવાને અગાસી પરથી પડતું મૂકતા મોત
  • કોઠારિયા રોડ પર ભારત સોસાયટીમાં બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરે ગળેફાંસો ખાધો

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના ધો.11ના વિદ્યાર્થીએ એસીડ પી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ અહીં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઇ ગઈ છે. આ અંગે તાલુકા પોલીસ તપાસ હાથ ધરતા પિતાએ ધો.12નો અભ્યાસ રાજકોટમાં જ કરવો પડશે તેવું કહેતા માઠુ લાગતા આ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.

ધો.11 સુધીનો અભ્યાસ રાજકોટમાં કર્યો હતો
પ્રાપ્ત વિગત મુજબ લુણીધાર રહેતાં 17 વર્ષીય ધો.11ના વિદ્યાર્થીએ એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહીં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ જયદિપસિંહે પ્રાથમિક કાર્યવાહી કરી હતી. મૃતક વિદ્યાર્થી માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. મૃતક વિદ્યાર્થી ધો.11 સુધી રાજકોટમાં SKP સ્‍કૂલમાં ભણ્‍યો હતો. હવે તે 12માં ધોરણમાં આવ્‍યો હતો. પરંતુ તેને હવે અહીં રહીને ભણવું ન હોય પિતાએ રાજકોટમાં જ ભણવું પડશે તેમ જણાવતાં માઠુ લાગી જવાથી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

80 ફૂટ પર યુવાને અગાસી પરથી છલાંગ લગાવી મોત વ્હાલું કર્યું
રાજકોટના 80 ફૂટ રોડ પર પટેલનગરમાં રહેતો અંગદ નંદુભાઇ ચૌહાણ નામના યુવાને થોરાળા વિસ્‍તારના શ્રી હરી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં પોતાના ભાઇના ઘરે અગાસી પરથી ઓચિંતી છલાંગ લગાવી દેતાં ગંભીર ઇજા થતાં મોત નીપજ્‍યું હતું. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ અંગત પટેલનગરમાં એકલો રહેતો હતો. તે પાંચ ભાઇમાં ચોથો હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો.

નંદુનું વર્તન છેલ્લા બે દિવસથી બદલાઇ ગયું હતું
મૂળ યુપીનો નંદુ ગઇકાલે શ્રીહરિ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં માટેલ ઇન્‍ડસ્‍ટ્રીઝની ઓરડીમાં રહેતાં પોતાના મોટાભાઇ પપ્‍પુના ઘરે જમવા આવ્‍યો હતો. અહીં રાતે જમ્‍યા બાદ તે અગાસીએ ગયો હતો. અહીં બીજા મજૂર પણ હતાં. અગાસીએ આટો માર્યા બાદ અચાનક નંદુએ દોટ મુકી હતી અને છલાંગ લગાવી દેતાં જીવ નીકળી ગયો હતો. પરિવારજનોના કહેવા મુજબ નંદુનું વર્તન છેલ્લા બે દિવસથી બદલાઇ ગયું હતું. તે સતત દોડાદોડી કરતો હતો. જમવા બેસે તો એકધારૂ ઘણુંબધું જમી લેતો હતો. ગઇકાલે રાતે અચાનક અગાસીએથી છલાંગ મારી હોવાનું પરિવારજનોએ જણાવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

મૃતક બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરની ફાઈલ તસવીર.
મૃતક બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરની ફાઈલ તસવીર.

ગૃહકંકાસથી કંટાળી બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરે ગળેફાંસો ખાઇ લીધો
શહેરના કોઠારિયા રોડ પર ભારત સોસાયટીમાં રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉં.વ.50)એ આજે કરણપરામાં રહેતા એડવોકેટ મનિષભાઈ રાણપરાના મકાનમાં છતના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાજુભાઈને સંતાનમાં બે દીકરા છે અને પોતે બે ભાઈ અને બે બહેનમાં મોટા હતા. રાજુભાઈ બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર છે. તેઓએ મનીષભાઈના મકાનનું કન્ટ્રક્શન કામ લીધું હોય તેઓ નિત્યક્રમ મુજબ રોજ સવારે ત્યાં જતા હતા. તેઓને પત્ની પ્રવીણાબેન સાથે ઝઘડો થતા તેઓએ કંટાળી પગલું ભરી લીધું હતું. રાજુભાઈના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે તેમજ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ગૃહકંકાસથી કંટાળી પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.