ગુનેગારો કેટલા પણ શાતિર હોય પરંતુ આખરે તે પોલીસના હાથે પકડાય જ જતા હોય છે કારણ કે ગુનેગારો જ્યાંથી વિચારવાનું બંધ કરે પોલીસ ત્યાંથી વિચારવાનું શરૂ કરે છે અને ગુનેગારોએ કરેલી કોઈ ને કોઈ ભૂલ શોધી તેને ઝડપી પાડે છે. રાજકોટમાં LRD અને PSI ભરતીમાં પરીક્ષા વગર ડાયરેક્ટ કોલ લેટર અપાવી દેવાની લાલચ આપી 12 ઉમેદવારો સાથે 15 લાખનું કૌભાંડ આચરવામાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. જયારે મુખ્ય સૂત્રધાર ક્રિષ્ના અને જેનીશના આજ રોજ રીમાન્ડ પુરા થતા 3 દિવસના રિમાન્ડ દરમિયાન ક્રિષ્ના પોલીસને સહયોગ ન આપતી હોવાથી તેના વધુ રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પરંતુ કોર્ટે રીમાન્ડ ન આપતા તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.
પોલીસની ટીમ આરીફને પકડવા દિલ્હી પહોંચી હતી
ક્રિષ્ના અને જેનીશની પુછપરછ દરમિયાન વધુ દિલ્લીના આરીફ સીદીકી ની સંડોવણી સામે આવતા પોલીસની ટીમ આરીફને પકડવા દિલ્હી પહોંચી હતી જો કે તે દિલ્હીમાંથી મળ્યો ન હતો અને બેંગ્લોર ભાગી ગયો હોવાથી તેની બેંગ્લોર ખાતે થી ધરપકડ કરવામાં આવી હતી જયારે જે ઓફિસમાં બેસી ઉમેદવારો પાસેથી રૂપિયા લેવામાં આવ્યા તે ઓફિસના માલિક નિલેશ મકવાણા પણ 6 ઉમેદવારો પાસેથી રૂપિયા લેતા સમયે ઓફિસમાં હાજર હોય અને તેઓ પણ આ ખોટું થતા હોવાનું જાણી છતાં મદદગારી કરતા પોલીસે તેમની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આગવી ઢબે પુછપરછ કરતા મોબાઇલમાંથી બનાવટી કોલ લેટર મળ્યા
આરીફની પુછપરછમાં તેણે ક્રિષ્ના સાથે કોઇ નાણાકીય લેવડ દેવડ ન થઇ હોવાનું રટણ રટ્યુ હતું જયારે તેની ઊંડાણ પૂર્વક તપાસ અને આગવી ઢબે પુછપરછ કરતા તેમને અધિકારીઓ સાથે ઓળખાણ છે તેમ કહી ક્રિષ્નાને લાલચ આપી હોવાનું અને ક્રિષ્નાએ સોનાનું કેન્યામાં મોટું કામ હોવાનું કહી આરીફને લાલચ આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહિ પોલીસને આરીફના મોબાઈલ ફોનની ચકાસણી કરતા તેના મોબાઇલમાંથી બનાવટી કોલ લેટર પણ મળી આવ્યા હતા.
ક્રિષ્ના વિરુધ્ધ બે થી ત્રણ અરજી મળી છે
ઉલ્લેખનીય છે કે ક્રિષ્ના અગાઉ કેન્યામાં છેતરપિંડીના ગુનામાં એક મહિનો જેલમાં સજા કાપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જયારે રાજકોટમાં પણ ક્રિષ્ના વિરુધ્ધ બે થી ત્રણ અરજી મળી છે. ત્યારે આજે તમામ આરોપીના કોર્ટે રિમાન્ડ ન આપતા તમામ ને જેલ હવાલે કરી જેલના સળિયા ગણતા કરી દેવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.