રાજકોટના કાલાવાડ રોડ પર મેટોડા GIDC નજીક થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત મેડિકલની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. કૃપાલી ગજ્જર નામની વિદ્યાર્થિનીનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે કૃપાલીની સર્જરી કરવાની હતી તે પહેલાં જ અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયું છે. આ ઘટનાને લઈ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 4 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. મૃતક નિશાંત દાવડા, ડો. સિમરન ગિલાની, આદર્શ ગોસ્વામી અને ફોરમ ધ્રાંગધરિયા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા. આ ઉપરાંત બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા પહોંચી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં આગળ બેઠેલા આદર્શ અને નિશાંતના ટુકડે ટુકડા થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જ્યારે ડૉ. કૃપાલી ગજ્જર હાલ સારવાર હેઠળ હતા.
JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ કારચાલક અચાનક કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર ઠેંકી રોંગ સાઇડમાં કૂદી ગઇ હતી અને રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી ST બસ સાથે ધડાકાભેર અથડાતાં કારનો બૂકડો બોલી ગયો હતો. જેમાં ST બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કુલ 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે કે 2 વિદ્યાર્થિની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા. આ અકસ્માતમાં ડૉ. સિમરન ગિલાનીનું સારવાર દરમિયાન મોત થયુ હતું. અકસ્માત કેટલો ગંભીર છે એ દૃશ્યો પરથી જ જોઇ શકાય તેમ છે, કારણ કે ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં કાર બસની આગળના ભાગમાં અંદર ઘૂસી ગઇ હતી. જેને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી અને JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘાયલોમાં સીમરન રાજકોટની તથા કૃપાલી ભાવનગરની છે
આ ઘટનામાં કારમાં બેઠેલા પાંચ પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે સીમરન ગીલાણી અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં ફોરમનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકોમાં સીમરન, નિશાંત અને આદર્શ તથા ફોરમ રાજકોટના જ વતની હતા. જ્યારે ઘાયલ કૃપાલી ભાવનગરની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.