તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રાજકોટ-વીંછિયાના અનેક ગામડાંઓમાં કોવિડની પ્રાથમિક દવાઓ પહોંચી નથી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટના 4 ગામ અને વીંછિયા તાલુકાના 8 ગામના લોકો દવાથી વંચિત

કોવિડને નાથવા માટે સરકાર દ્વારા દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગામો ગામ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે ગામડાંઓના સરપંચો સાથે વાત કરવામાં આવી હતી, જેમાંથી અનેક ગામના સરપંચોએ સીસી કેન્દ્રો શરૂ ન કરવા જણાવ્યું હતું. ત્યારે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા જિલ્લા પંચાયત ખાતે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં દરેક ગામડાંઓમાં કોવિડ માટેની પ્રાથમિક દવાઓ પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જે મુદ્દે બે તાલુકાના કુલ 21 ગામના સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરતા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ તાલુકાના 11 ગામમાંથી 4 ગામમાં દવાઓ પહોંચી નથી, જ્યારે વીંછિયા તાલુકાના 10 ગામમાંથી 8 ગામમાં દવાઓ પહોંચી નથી. સરપંચો સાથે વાતચીત દરમિયાન રાજકોટ તાલુકાના ચાંચડિયા, ગોલિડા, હડાળા, કણકોટ ત્યારે વીંછિયા તાલુકાના બેલડા, ભોયરા, કાંસલોલિયા, ખડકાણા, કોટડા, મોટી લાખાવડ, સોમલપર તથા વેરાવળ(ભ) ગામ ખાતે હજુ કોઈ કોવિડ માટેની પ્રાથમિક દવાઓ મળી નથી.

જે ગામમાં પ્રાથમિક દવાઓ પહોંચી નથી તે ગામના સરપંચોએ કહ્યું હતું કે, અમને આ અંગે કોઈ માહિતી નથી અને કોઈ મંત્રીએ પણ આ અંગે અમને ફોન કરી જાણ નથી કરી.
આ તકે રાજકોટ તાલુકાના ગોલિડા ગામના સરપંચે કહ્યું કે, આરોગ્ય
કર્મીનો ફોન આવ્યો કે ગામ માટે દવા આપવામાં આવી છે, ત્યારે તેઓએ ના પાડી હતી, કે અમને કેમ ખબર કે કોને કેટલા પ્રમાણમાં દવા આપવી અને કઈ આપવી, જો તબીબ હાજર રહે તો જ આ શક્ય બની શકે.

દવાઓ પહોંચી ન હોય તે માટેની કોઈ જાણ હજુ મને નથી થઇ : રાદડિયા
રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ અને વીંછિયા તાલુકાના ગામોમાં જે દવાઓ પહોંચી નથી એ અંગેની કોઈ જાણ થઇ નથી. માટે દરેક સીએચસી કેન્દ્રો પર આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે, જેથી ક્યાં ગામમાં અછત છે તે અંગે માહિતી મેળવી શકાય. ત્યારે જે ગામોમાં દવાઓ નથી પહોંચી તે ગામોમાં નજીકના સમયમાં દવાઓ પહોંચી જશે.

સરપંચે કહ્યું કે, દવા પહોંચી હોવાનો ફોન આવ્યો પણ હજુ ગામમાં આવી નથી
વીંછિયા તાલુકાના કોટડા ગામના સરપંચે ટેલિફોનિક વાતચીત કરતા કહ્યું કે, તેઓને ફોન આવ્યો તો કે દવાનો જથ્થો મળ્યો છે, તપાસ કરતા હજુ ગામમાં આવ્યો નથી. આ પ્રકારે સંપર્ક સાધતા અનેક સરપંચે કહ્યું કે, દવાની સાથે રસીકરણ માટે જે ડોઝ મળવા જોઈએ તે મળતા ન હોવાથી ગામના લોકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે. ક્યાંક એવા પણ ગામ છે જ્યાં ગામની વસ્તીની સરખામણીએ પણ ખૂબજ ઓછો જથ્થો આપવામાં આવ્યો છે. જેથી જથ્થો વધારવા પણ માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...