ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે. તેવામાં હવે આ વખતે ભાજપને સીધી ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવશે. ત્યારે આજે તેમની હાજરીમાં અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રમુખ વિક્રમ સોરાણી 'આપ'માં જોડાશે.
ચિંતન શિબિરમાં નિર્ણય કર્યો
આ અંગે વિક્રમ સોરાણીએ મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં જંત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં કોળી સમાજની ચિંતન શિબિર મળી હતી. જ્યાં તેમને સમાજે રાજકારણમાં જોડાવાનું કહેતા રાજકારણમાં જોડાવા જઈ રહ્યા છે અને આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી લડવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
આમ આદમી પાર્ટીની લહેરથી ભાજપ ચિંતામાં
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે સૌરાષ્ટ્રમાં રાજકોટથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. હાલ આપમાં એક પછી એક આગેવાનો જોડાતા હવે ભાજપમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે. પરંતુ હવે ગુજરાતમાં એક નવી લહેર જોવા મળી છે. વિધાનસભાની ચૂંટણીના આડે હવે માત્ર 6 મહિના બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બનાવવામાં આવેલી લહેર ભાજપ અને કોંગ્રેસને હેરાન કરી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ ગુજરાત તેમનું હોમ સ્ટેટ હોવા ઉપરાંત ભાજપનો ગઢ છે. જેમાં આમ આદમી પાર્ટી તરફ વળી રહેલા મતદારોથી ભાજપ અને કોંગ્રેસ ચિંતામાં છે. હવે જોવાનું એ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલો વોટ શેર હાંસલ કરે છે. પોતાની તરફ વળી રહેલા મતદારોથી પાર્ટીને શું ફાયદો થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.