એક્સક્લૂઝિવ:નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશ અંગે મને ખબર નથી, સીધા હાઇકમાન્ડ સાથે સંપર્કમાં છે, બાવળિયા- રાદડિયાને પણ ઘરવાપસીની હાર્દિક પટેલની સલાહ

રાજકોટ3 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ફરી એક વખત ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં પ્રવેશને લઇ અનેક અટકળો ચાલી રહી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે એવી પૂરી શક્યતા સાથેનો પ્રથમ અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રકાશિત કર્યો હતો. હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ આ વાતને સમર્થન આપ્યું છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે નરેશભાઇ પટેલની ડાયરેક્ટ અમારા કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી છે. મેં પણ તેમને પત્ર લખી રાજકારણમાં પ્રવેશ કરી કોંગ્રેસ પક્ષ સાથે જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. હાલ વાતચીત ક્યાં પહોંચી એ ખબર નથી. તેમના આવવાથી પક્ષને ઘણો ફાયદો થશે અને રાજકારણમાં સારા માણસ આવે તો સીધો ફાયદો સમાજને થશે. કુંવરજી બાવળિયા અને જયેશ રાદડિયાએ પણ ઘરવાપસી કરવી જોઇએ.

હાર્દિક પટેલે દિવ્ય ભાસ્કરના સવાલોના આપેલા જવાબો

દિવ્ય ભાસ્કર: નરેશ પટેલની કોંગ્રેસ પ્રવેશની વાત ક્યાં પહોંચી?

હાર્દિક પટેલ: નરેશભાઇના આવવાની વાત ક્યાં પહોંચી એ વિશે મને ખ્યાલ નથી પણ હા, અમારા હાઇકમાન્ડ સાથે તેઓ સીધા સંપર્કમાં છે. તમામ બાબતે નરેશ પટેલ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર: નરેશ પટેલના આવવાથી શું ફેર પડશે?

હાર્દિક પટેલ: સારા માણસો રાજકારણમાં પ્રવેશ કરે એ જરૂરી છે. નરેશભાઈના આવવાથી 100% કોંગ્રેસ પક્ષ મજબૂત બનશે અને લોકસેવા માટે રાજકારણમાં નરેશભાઈના પ્રવેશથી જનતાને અને સમાજને પણ ફાયદો થશે.

દિવ્ય ભાસ્કર: કોળી સમાજ સાથે બેઠક કરી તો નરેશ પટેલ કોંગ્રેસ સાથે જોડાશે એવું માનો છો?

હાર્દિક પટેલ: નરેશભાઇ પહેલેથી જ કોંગ્રેસની વિચારધારા ધરાવે છે, કોળી સમાજ એક નહીં, દરેક સમાજને સાથે લઇને જ રાજકારણમાં ચાલવું જોઈએ. કોંગ્રેસ દરેક સમાજને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે.

દિવ્ય ભાસ્કર: કુંવરજી બાવળિયા ઘરવાપસી કરશે?

હાર્દિક પટેલ: કુંવરજીભાઇ એક નહીં ,પરંતુ જેટલા પણ લોકો ગયા છે તેમણે પરત કોંગ્રેસમાં આવવું જોઈએ. લોકસેવા જ કરવી છે તો કોંગ્રેસમાં રહીને પણ કરી શકાય છે. હકુભા હોય કે જયેશભાઇ રાદડિયા તમામ લોકોએ કોંગ્રેસમાં પરત આવી એકસાથે મળી મજબૂત રીતે લડી લોકસેવા કરવી જોઈએ.

દિવ્ય ભાસ્કર: અશોક ગેહલોત સાથે મીટિંગ થઈ એ વાત સાચી છે?

હાર્દિક પટેલ: મને પણ મીડિયાના માધ્યમથી આ વાત જાણવા મળી હતી, પણ અશોકજી નહીં, પાર્ટીના કોઈપણ આગેવાન સાથે વાત થઇ હોય એમાં ખોટું શું છે? નરેશભાઈ કોંગ્રેસમાં જોડાઇ એ જ મહત્ત્વનું છે.

દિવ્ય ભાસ્કર: લેઉવા-કડવા પાટીદાર અલગ હોવાની ચર્ચા ચાલી રહી છે એ સાચી વાત?

હાર્દિક પટેલ: હું લેઉવા-કડવામાં નથી માનતો, અમે પટેલ સમાજ એટલે પાટીદાર સમાજ. નરેશભાઈ પણ એ જ માને છે કે બંને એક જ પાટીદાર સમાજ છે.

દિવ્ય ભાસ્કર: નરેશભાઈના આવવાથી કોઇ ફેર પડશે?

હાર્દિક પટેલ: 100 ટકા. નરેશભાઈના આવવાથી કોંગ્રેસને આવનારી વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થશે અને કોંગ્રેસ વધુ મજબૂત બનશે.

દિવ્ય ભાસ્કર: નરેશ પટેલને રાજસ્થાનમાં રાજ્યસભાના સાંસદ બનાવવાની વાત સાચી?

હાર્દિક પટેલ: આ વાતથી હું અજાણ છું, પરંતુ નરેશભાઇને પાર્ટી જે જવાબદારી સોંપે અને નિર્ણય કરે એ અમને મંજૂર છે. આ બાબતે હાઇકમાન્ડ યોગ્ય નિર્ણય જરૂર લેશે.

દિવ્ય ભાસ્કર: શું નરેશભાઈ કોંગ્રેસ સાથે જોડાશે?

હાર્દિક પટેલ: નરેશભાઇ પહેલેથી જ કોંગ્રેસની વિચારધારા ધરાવે છે, કોળી સમાજ એક નહીં દરેક સમાજને સાથે લઇને જ રાજકારણમાં ચાલવું જોઈએ. કોંગ્રેસ દરેક સમાજને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે.

અન્ય સમાચારો પણ છે...