રાજકોટ ભાજપના સ્નેહમિલનમાં આંતરિક જૂથવાદ:પૂર્વ CMએ MLAને ખખડાવ્યા, વચ્ચે પડીને MP મોકરિયાએ રૂપાણીને રોકડું પરખાવી દીધું, તમારી સાથે વાત નથી કરતો

રાજકોટ13 દિવસ પહેલા
રૂપાણી ગોવિંદ પટેલને ખખડાવી રહ્યા હતા ત્યારે જ રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા.
  • રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને પાસે બોલાવી આમંત્રણપત્રિકાના નામમાં શું લોચા છે એમ કહી ખખડાવ્યા હતા

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ખુલ્લા પાર્ટી પ્લોટમાં ગઇકાલે ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. ભાજપનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને પાસે બોલાવી આમંત્રણપત્રિકામા શું લોચો છે એમ કહી ખખડાવ્યા હતા. આ સમયે જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા. ત્યારે રૂપાણીએ રામ મોકરિયાને રોકડું પરખાવી કહી દીધું હતું કે તમે બેસી તમારી સાથે વાત નથી કરતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. થોડીવાર માટે તો સ્ટેજ પર તણાવભરી સ્થિતિ પણ ઉદભવી હતી.ઉલ્લેખનીય છે કે આગામી તા.20 નવેમ્બરના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં જનસંઘથી લઈ ભાજપના કાર્યકર્તાઓનું જે સ્નેહમિલન યોજાવાનું હતું તે હવે રદ થયું છે. જેમાં પાટીલની વ્યસ્તતાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે પરંતુ પ્રદેશ પ્રમુખના રાજકોટ આગમન પછીના કાર્યક્રમમાં આ સ્નેહમિલન નિશ્ચીત જ હતું તો હવે કઈ વ્યસ્તતા આવી ગઈ તેના પર અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

મોકરિયાએ પણ રૂપાણીને રોકડું પરખાવી દીધું
વિજય રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને પાસે બોલાવી કહ્યું હતું કે આમંત્રણપત્રિકામાં શું લોચા છે, ત્યારે રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા. રૂપાણીએ મોકરિયાને તમારી સાથે નહીં, ગોવિંદ પટેલ સાથે વાત કરું છું, આથી તમે બેસી જાઓ. ત્યારે રામ મોકરિયાએ પણ રૂપાણીને રોકડું પરખાવી કહી દીધું હતું કે હું પણ તમારી સાથે નહીં, પટેલ સાથે વાત કરું છું. જોકે સમગ્ર ઘટના બન્યા બાદ આજે રામ મોકરિયા ગાંધીનગર જતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

ગોવિંદ પટેલ સાથે વાત કરતા રૂપાણી.
ગોવિંદ પટેલ સાથે વાત કરતા રૂપાણી.

ચાર દિવસમાં રાજકોટમાં બે સ્નેહમિલન
રાજકોટમાં સંગઠિતતા અને શિસ્તબદ્ધવાળી ભાજપ પાર્ટીમાં જૂથવાદ સપાટી પર આવ્યો હોય એવાં દૃશ્યો ગઇકાલના સ્નેહમિલનના કાર્યક્રમમાં જોવા મળ્યાં હતાં. રૂપાણીએ ગઈકાલે એક સ્નેહમિલન કર્યું હતું, જેમાં રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી હાજર રહ્યા હતા. હવે ફરી 20 નવેમ્બરે સી.આર.પાટીલ આવી સ્નેહમિલન કરશે. રૂપાણીએ કરેલા સ્નેહમિલનમાં આંતરિક જૂથવાદ સ્ટેજ પર દેખાયો હતો. ગોવિદ પટેલ રૂપાણી પાસે ગયા અને શું થયું કે મોકરિયા વચ્ચે પડ્યા. આથી ભાજપ સહિત રાજકરણમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચાર દિવસમાં બે-બે સ્નેહમિલન કરવાં પડે એ પણ આંતરિક જૂથવાદનું કારણ હોય શકે એવી ચર્ચા ઊઠી છે.

સમગ્ર ઘટના બાદ રામ મોકરિયા પોતાની ખુરશીમાં બેસી ગયા.
સમગ્ર ઘટના બાદ રામ મોકરિયા પોતાની ખુરશીમાં બેસી ગયા.

મોકરિયાને એક પછી એક જવાબદારી સોંપાતાં જૂથવાદ વકર્યો
ભાજપનાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ, છેલ્લા કેટલાક સમયથી રામ મોકરિયાને અનેક નાની-મોટી જવાબદારી રાજકોટમાં સોંપવામાં આવી રહી છે, આથી આંતરિક જૂથવાદ વધુ જોવા મળી રહ્યો છે. જોકે ગોવિંદ પટેલે આ મુદ્દાને લઈ જણાવ્યું હતું કે હું તો દિવાળીની શુભેચ્છા પાઠવવા ગયો હતો, પરંતુ આ વાત ગળે ન ઊતરે. જાહેર કાર્યક્રમમાં આ રીતે સ્ટેજ પર શુભેચ્છા પાઠવવી એ કેટલા અંશે સત્ય છે એ કહી ન શકાય. વીડિયોમાં જોતાં સ્પષ્ટ જણાય છે કે રૂપાણી થોડાક ઉગ્ર થઈ ગોવિંદ પટેલ સાથે વાતચીત કરી રહ્યા હતા, આથી આમાં શુભેચ્છા કંઈ રીતે આપી શકાય.

સ્નેહમિલનમાં કોરોનાની ગાઈડલાઈન્સ ભુલાઈ હતી.
સ્નેહમિલનમાં કોરોનાની ગાઈડલાઈન્સ ભુલાઈ હતી.

વજુભાઈની ગેરહાજરીથી અનેક તર્ક-વિતર્ક
વજુભાઈ વાળાની ગેરહાજરીથી અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. વજુભાઈ બહારગામ હોવાની વાત સામે આવી હતી. સ્નેહમિલનમાં વિવિધ મોરચાના કાર્યકરો, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, કશ્યપ શુક્લ, જિતુ મહેતા, શહેર ભાજપ-પ્રમુખ કમલેશ મીરાણી, ધનસુખ ભંડેરી, મેયર ડો.પ્રદીપ ડવ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

નેતાઓ ભાષણ કરતા રહ્યા અને મહિલા કાર્યકરોએ ચાલતી પકડી.
નેતાઓ ભાષણ કરતા રહ્યા અને મહિલા કાર્યકરોએ ચાલતી પકડી.

ચાલુ સ્નેહમિલનના કાર્યક્રમમાંથી કાર્યકરોએ ચાલતી પકડી હતી
ચાલુ સ્નેહમિલનમાં મોટા નેતાઓ ભાષણ કરી રહ્યા હતા ત્યારે પુરુષ અને મહિલા કાર્યકર્તાઓએ ચાલતી પકડી હતી. જોકે સ્વયંસેવક તરીકે રહેલા કાર્યકરોએ તેમને અટકાવ્યા હતા અને ફરીથી પોતાની ખુરશી પર બેસી જવા અપીલ કરી હતી. તેમ છતાં અમુક કાર્યકરો માન્યા નહોતા અને તેઓ ચાલુ સ્નેહમિલનના કાર્યક્રમમાંથી જતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...