તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાસણ ગીર નામ સાંભળતાં જ સિંહ અને સિંહદર્શન યાદ આવે, પરંતુ શું આપ જાણો છો આ સિંહોની રખેવાળી માટે ફોરેસ્ટ વિભાગ કેટલી કાળજી લે છે. એ વિશે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસ્તુત કર્યો છે. જંગલને પોતાનું ઘર અને પ્રાણીઓને પરિવારજનો માનતું જંગલખાતું સૌરાષ્ટ્રના સોરઠનું હીર સમાન ગીરને સાચવે છે. 1800 ચોરસકિલોમીટર વિસ્તારમાં પથરાયેલો આ પ્રદેશ એશિયાટિક સિંહોનું ઘર છે. પર્યટનક્ષેત્રે ગીર ફોરેસ્ટ માત્ર ગુજરાત નહિ, દેશ અને દુનિયામાં વિખ્યાત છે; ત્યારે આ પર્યટન સ્થળને જાળવી રાખવું ફોરેસ્ટ વિભાગ માટે ખૂબ જ જરૂરી છે. ગીર જંગલમાં રહેતા 674 જેટલા સિંહોની સુરક્ષા માટે મહેનત કરે છે; અહીં પેઢી દર પેઢી ટ્રેકરો જીવના જોખમે સાવજોની રખેવાળી કરે છે.
સીસીટીવી કેમેરા અને વન વિભાગનાં વાહનોમાં GPS સિસ્ટમ
આખા ગીર ફોરેસ્ટ અને સિંહોનું મોનિટરિંગ કન્ટ્રોલ રૂમમાંથી થાય છે. સિંહ અને હાલમાં જ દીપડાને રેડિયોકોલર લગાડવામાં આવ્યા છે, જેથી જો કોઇ સિંહ સંવેદનશીલ અથવા તો અસુરક્ષિત સ્થાન પર હોય કે શહેરી વિસ્તાર તરફ હોય તો તરત જ ટ્રેકર, ફોરેસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવે છે અને એની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવે છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને વન વિભાગનાં વાહનોમાં લગાવેલી GPS સિસ્ટમથી આખા જંગલનું મોનિટરિંગ કરવામાં આવે છે.
ટ્રેકરો પેઢી દર પેઢી વનના રાજાની સંભાળ કરતા આવ્યા છે
સિંહોની રખેવાળીમાં સૌથી મહત્ત્વનું પરિબળ હોય તો એ છે જંગલ વિસ્તારના ટ્રેકર. વર્ષોથી પેઢી દર પેઢી આ કામ સાથે જોડાયેલા ટ્રેકર સિંહોની ખરા અર્થમાં રખેવાળી કરે છે. ગીર જંગલમાં રહેલા આ ટ્રેકરો પોતાના જીવના જોખમે વહેલી સવારથી જંગલ વિસ્તારમાં પહોંચે છે. સિંહના પગના નિશાન એટલે કે સગડ અને અન્ય તૃણભક્ષી પ્રાણીઓના અવાજ તેમજ સિંહની ગર્જના જેને ગીરના ભાષામાં હુંક સાંભળીને તેની દિશા નક્કી કરે છે અને તેની પાસે જઇને સિંહ સુરક્ષિત છે કે કેમ એની ચકાસણી કરે છે, જો કોઇ સિંહ બીમાર હોય અથવા તો સિંહોની ઇન્ફાઇટ કે અન્ય રીતે ઇજાગ્રસ્ત થયો હોય તો તરત જ કન્ટ્રોલ રૂમમાં જાણ કરે છે અને જરૂરી સારવાર પૂરી પાડે છે. જંગલ વિસ્તારમાં શિસ્તતા જાળવવા માટે ટ્રેકરો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ટ્રેકરો અહીંનાં આસપાસનાં ગામના લોકો હોય છે જે અહીંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે અને પેઢી દર પેઢી તેઓ આ કામ સાથે જોડાયેલા છે.
જંગલની સુરક્ષા કરવામાં મહિલાઓ પણ પાછળ નથી
સિંહ શાંત પ્રકૃતિનું પ્રાણી છે. સિંહોની કનડગત ન થાય એ જોવાની જવાબદારી ફોરેસ્ટ વિભાગની છે અને સિંહો સહિત વન્ય પ્રાણીઓ અને જંગલની સુરક્ષા કરવામાં મહિલાઓ પણ પાછળ નથી. ગાઢ જંગલમાં મહિલા ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને વન્ય પ્રાણીઓની મૂવમેન્ટ સાથે ગેરકાયદે જંગલમાં પ્રવેશને પણ અટકાવે છે. માલધારીઓના નેસથી લઇને ફોરેસ્ટની ઓફિસ સુધી તમામ લોકો ગીર જંગલ અને સિંહોના સંવર્ધન માટે પ્રયત્ન કરે છે અને એની જાળવણી એક પરિવારના સભ્ય જેવી કરે છે અને એટલા માટે જ દેશ અને દુનિયામાંથી લોકો અહીં આ જંગલ અને વન્ય પ્રાણીઓને જોવા માટે આવે છે.
સિંહો માટે ખોરાક પૂરતા પ્રમાણમાં હોવાનો વન વિભાગ દાવો
ગીર જંગલમાં એશિયાટિક સિંહોની સાથે સાથે દીપડા પણ આવેલા છે. જ્યારે તૃણભક્ષી પ્રાણીઓમાં હરણ, સાબર, જંગલી ભૂંડ, મોર, સસલા અને નીલગાય આવે છે તથા વિવિધ પક્ષીઓ પણ આવે છે. ફોરેસ્ટ વિભાગના કહેવા પ્રમાણે, જંગલમાં સિંહોની સંખ્યામાં જે રીતે વધારો થયો છે એવી જ રીતે અન્ય પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જેથી સિંહોને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે. છેલ્લાં 10 વર્ષના આંકડાઓના અભ્યાસને આધારે સિંહ એનો વિસ્તાર પોતે નક્કી કરતો હોય છે અને એ વિસ્તારમાં બીજા સિંહને પ્રવેશ મળતો નથી. જેથી સિંહ ગીર છોડીને બહારના વિસ્તારો કે જે અનુકૂળ હોય ત્યાં પહોંચી રહ્યા છે. જોકે જંગલમાં સિંહો માટે ખોરાક પૂરતા પ્રમાણમાં હોવાનો વન વિભાગ દાવો કરવામાં આવી રહ્યો છે.
ઓટોમેટિક પાણીના પોઇન્ટમાં પાણી મળી રહે એવી વ્યવસ્થા
તૃણભક્ષી પ્રાણીઓની સાચવણી સાથે જંગલમાં રહેતા માલધારીઓના નેસ પણ એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. માલધારીઓનાં ગાય, ભેંસ જેવા માલઢોર જંગલમાં હોય છે અને ક્યારેક આ પશુઓનો સિંહ શિકાર કરે છે, પરંતુ માલધારીઓ એમાં રાજીપો વ્યક્ત કરે છે. ખોરાકની સાથે સાથે જંગલમાં પાણીની વ્યવસ્થા પણ ખૂબ જ અગત્યની છે અને ખાસ કરીને ઉનાળાના કપરા સમયમાં જ્યારે પ્રાણીઓને વધારે પાણીની જરૂરિયાત હોય છે ત્યારે વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટ ઊભા કરવામાં આવે છે. રેડિયોકોલરની મદદથી જે વિસ્તારમાં પ્રાણીઓની અવરજવર વધારે હોય એ વિસ્તાર પ્રમાણે આ પોઇન્ટ ઊભા કરવામાં આવતા હોય છે, જેમાં સોલર પાવર, પવનચક્કીની મદદથી ઓટોમેટિક પાણીના પોઇન્ટમાં પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. સિંહ જેવા પ્રાણીથી લઇને મધમાખી જેવા જંતુને પણ પાણી મળી રહે એ પ્રકારની ખાસ વ્યવસ્થા આ પોઇન્ટમાં કરવામાં આવી હોય છે.
કોરોનાની સ્થિતિમાં ટૂરિસ્ટ પોઇન્ટ પર પણ અસર પહોંચી
મહત્ત્વનું છે કે છેલ્લાં 10 વર્ષમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને એને કારણે સિંહના સંવર્ધન માટે હવે જંગલ વિસ્તાર ટૂંકો પડી રહ્યો છે, જેથી જંગલના રાજા હવે એવા વિસ્તારોમાં પહોંચી રહ્યા છે જ્યાં પૂરતો ખોરાક પાણી મળી રહે. જોકે હાલમાં ગીરનાં જંગલોમાં વનરાજા ઠાઠમાઠ સાથે પોતાનું જીવન વિતાવી રહ્યા છે. સાસણ ગીરનાં જંગલોમાં વનરાજા ઠાઠમાઠ સાથે રહે છે અને એટલા માટે જ દેશ-વિદેશથી ટૂરિસ્ટો અહીં સિંહદર્શન કરવા માટે આવે છે. હાલમાં કોરોનાની સ્થિતિમાં ટૂરિસ્ટ પોઇન્ટને પણ થોડી અસર પહોંચી છે. અન્ય રાજ્યો અને વિદેશથી આવતા ટૂરિસ્ટોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ મેટ્રો સિટીમાં કર્ફ્યૂને કારણે લોકો ફરવા માટે સાસણને પસંદ કરી રહ્યા છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરીને એક સાનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સાસણ ગીરમાં જિપ્સી વેન લોકલ વ્યક્તિઓ ચલાવે છે
ગીર નેશનલ પાર્કમાં એશિયાટિક લાયન આકર્ષણનું કેન્દ્ર છે. અહીં સિંહદર્શન એક લહાવો છે. જિપ્સી વેનની બાજુમાંથી સિંહ પસાર થતા જોવાનો લહાવો કંઈક અલગ છે. જોકે હાલમાં જે કોરોનાની મહામારી આવી એને કારણે નેશનલ પાર્ક થોડા સમય માટે બંધ રહ્યો હતો, પરંતુ ઓક્ટોબર માસથી ફરી ચાલુ કરવામાં આવ્યો છે. સાસણ ગીરમાં જિપ્સી વેન, ગાઇડ ત્યાંની લોકલ વ્યક્તિઓ ચલાવે છે જ્યારે પર્યટકો આવવાને કારણે તેની રોજગારીમાં વધારો થાય છે. ફોરેસ્ટ વિભાગની અનટચ સુવિધાઓ અને સારા વાતાવરણને કારણે સાસણ ગીરમાં ફરી ધંધા-રોજગાર ધમધમી રહ્યા છે અને કોરોનાકાળમાં આવેલી મંદીનો ઓછાયો દૂર થઇ રહ્યો છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.