તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિસાન સંઘ મેદાનમાં:રાજકોટમાં 50 મણ ચણાની ટેકાના ભાવે ખરીદી સામે કિસાન સંઘનો વિરોધ, કલેક્ટર કચેરીએ સુત્રોચ્ચાર કર્યા

6 મહિનો પહેલા
કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
  • અમારી માંગણી છે કે 200 મણ ચણાની ખરીદી કરવામાં આવે- કિસાન સંઘના પ્રમુખ

રાજકોટ જિલ્લામાં આ વર્ષે 1 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. આથી ઉત્પાદન પણ બમણું થવાનું છે. જો કે ઉત્પાદન વધારે હોય ત્યારે ટેકાનો ભાવ જરૂરી બની જાય છે. પરંતુ સરકાર દ્વારા આ વર્ષે 50 મણ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ખેડૂતોને ખેતી ખર્ચ વધે છે તેની સામે ભાવ વધતો નથી
આ અંગે કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે સરકારે 125 મણ ખરીદી કરી હતી. જ્યારે આ વર્ષે સરકારે 50 મણ ખરીદી કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આથી અમે નારાજ છીએ. મોંઘવારીને ધ્યાને રાખી સરકારે ખેડૂતો પાસેથી 200 મણ ખરીદી કરવી જોઇએ. ખેડૂતોને ખેતી ખર્ચ વધે છે તેની સામે ભાવ વધતો નથી. સરકાર ખેડૂતો માટે નિર્ણય લઇ વધુમાં વધુ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા તૈયારી દર્શાવે તેવી અમારી માંગ છે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

200 મણ ચણાની ખરીદી કરવામાં આવે- કિસાન સંઘના પ્રમુખ
વધુમાં દિલીપ સખીયાએ જણાવ્યુ હતું કે, રાજકોટ જિલ્લામાં આ વર્ષે 1 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. તેથી ઉત્પાદન પણ બમણું થવાનું છે. હવે આવા સમયે સરકાર માત્ર 50 મણ ચણાની ખરીદી કરે તેને વેચવા માટે ખેડૂતોનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે. આ વખતે ચણાનું રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બમ્પર ઉત્પાદન થયું છે. ત્યારે હવે ચણાની વધુ ખરીદી કરવી જોઈએ. માટે આજે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ. અને અમારી માગણી છે કે 50 મણની જગ્યાએ 200 મણ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે.

રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા સુધી ફોડ પાડ્યો નહીં
ચાલુ વર્ષે વાવેતર બમણું હોવાથી આ જ મર્યાદામાં ખરીદી થશે તેવી શક્યતા હતી પણ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા સુધી ફોડ પાડ્યો જ ન હતો. આખરે ખેતી નિયામકે ખરીદીના બે દિવસ પહેલા પરિપત્ર કરીને જાહેર કર્યું કે ખેડૂત દીઠ 50 મણ એટલે કે 1000 કિલોની મર્યાદામાં જ ખરીદી થશે અને તેમાં પણ ખેડૂત પાસે અડધા હેક્ટર કે તેથી ઓછી જમીન હશે તો 800 કિલો જ લેવામાં આવશે. આ નિર્ણયને કારણે ખેડૂતોમાં ભારે કચવાટ ઊભો થયો છે.

ખરીદી પહેલા ચણાના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે
ખરીદી પહેલા ચણાના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે

અત્યાર સુધીમાં 68000 ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું
ટેકાના ભાવ માટે અત્યાર સુધીમાં 68000 ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. માત્ર ટેકાના ભાવ માટે જ ચણા યાર્ડ સુધી લવાય તો ભાડું પણ માથે પડે તેથી ભાવ હોય કે ન હોય બધો જ માલ યાર્ડ સુધી લાવવો પડશે તેથી ખેડૂતોમાં ઘણો રોષ છે અને ખેડૂત સંગઠનો અને ભારતીય કિસાન સંઘ સહિતનાએ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે.

અન્ય સમાચારો પણ છે...