રાજકોટ ડેરી અને ભારતીય કિસાન સંઘ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. કિસાન સંઘ દ્વારા ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયા સામે સોશિયલ મીડિયામાં પોસ્ટર યુદ્ધ છેડાયું છે. કિસાન સંઘ સાથે તાલુકાવાઈઝ ખેડૂતો પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટર વાઈરલ કરી રહ્યા છે, જેમાં ગોવિંદ રાણપરિયા જાહેરમાં માફી માગે, નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
6 મહિનાથી કિસાન સંઘ લડત આપે છે
રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ જણાવ્યું છે કે ગોવિંદ રાણપરિયાને ચેતવણી આપવામાં આવી છે. ભારતીય કિસાન સંઘ લીગલ ટીમ દ્વારા ડેરીના પ્રશ્નોનો ઉકેલ લાવશે. આ માટે કિસાન સંઘ તરફથી એડવોકેટ સુરેશ ફળદુની નિમણૂક કરવામાં આવી છે. કિસાન સંઘ રાજકોટ ડેરીના ભ્રષ્ટાચારને લઈને છેલ્લા 6 મહિનાથી લડત આપી રહ્યું છે. ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયાએ આ અંગે નિવેદન આપ્યું હતું કે તમે ડેરીની માફી નહીં માગો તો એક કરોડનો દાવો કરીશ. મીડિયા મારફત ચેરમેન સાહેબ સમજી લે કે આ ખેડૂતોની સંસ્થા છે, કોઈનો પોતાનો વિચાર નથી.
ડેરી એ ખેડૂતોની સંસ્થા છેઃ દિલીપ સખિયા
દિલીપ સખિયાએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની સંસ્થામાં ભષ્ટ્રાચાર થયો છે અને જો ભ્રષ્ટાચાર ન થયો હોય તો અમે મીડિયાના માધ્યમથી જ કહીએ છીએ કે છેલ્લાં 20 વર્ષમાં નાના-મોટા કર્મચારીની ભરતી કરી છે એનું ટોટલીનું લિસ્ટ અમને આપે. આથી એકના એક મુદ્દામાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ખેડૂતોને માહિતી આપો. ભારતીય કિસાન સંઘ ટૂંક સમયમાં જ આનો જવાબ આપશે. ડેરીના ચેરમેન તૈયાર થઈ જાય, કારણ કે આ ખેડૂતોની સંસ્થા છે. તેને બચાવવા માટે જે પણ કરવું પડશે તે કરશે જ. અમે કાનૂની કાર્યવાહી કરવા તૈયાર છીએ.
સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાઇરલ થયાં
જસદણ ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાળુભાઈ ચાવડાએ પોતાનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યું છે, જેમાં લખ્યું છે કે રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયા દ્વારા જે ખોટા આક્ષેપો ભારતીય કિસાન સંઘ પર કરવામાં આવ્યા છે એ પાયાવિહોણા છે. રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતો અને પશુપાલકો સારી રીતે જાણે છે આથી જાહેરમાં માફી માગે, નહીંતર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.