રાજકોટ ડેરીના ચેરમેન V/S કિસાનસંઘ:ડેરીમાં ભ્રષ્ટાચાર, ભરતીમાં સગાવાદ અને પશુપાલકોને ભાવફેર આપવામાં આવતો હોવાનો કિસાનસંઘનો આક્ષેપ, ડેરીની ચૂંટણી 12 ઓક્ટોબરે યોજાશે

રાજકોટએક વર્ષ પહેલા
સુત્રોચ્ચાર સાથે પશુપાલકોનો વિરોધ - Divya Bhaskar
સુત્રોચ્ચાર સાથે પશુપાલકોનો વિરોધ
  • ગામના 22 કર્મચારીઓને નોકરી આપી હોવાનો આક્ષેપ

રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયા અને કિસાનસંઘના પ્રમુખ આમને સામને આવી ગયા છે. કિસાનસંઘના પ્રમુખ દિલીપ સખીયાએ પુરાવા સાથે પત્રકાર પરિષદ યોજી હતી. ડેરીના ચેરમેન પર આક્ષેપ કર્યો છે કે ડેરીમાં ભ્રષ્ટાચાર, ભરતીમાં સગાવાદ અને પશુપાલકોને ભાવફેર આપવામાં આવે છે. જેને લઈને મામલો ગરમાયો છે. પશુપાલકોએ સુત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટ ડેરીની ચૂંટણી 12 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. હાલ ચેરમેન તરીકે ગોંવિંદ રાણપરીયા છે. ચેરમેન અને કિસાન સંઘ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ચેરમેન તરીકેનો આખરી નિર્ણય લેશે.

મોરબી સંઘ રાજકોટ સંઘ કરતા 90 રૂપિયા ભાવફેર વધારે ચૂકવવા છતાં નફો કરે છેઃ કિસાનસંઘ
કિસાન સંઘના પ્રમુખે આક્ષેપ કરતાં જણાવ્યું કે સંઘે ભાવફેરની રકમ સાથે કિલો ફેટના 2019-20માં એવરેજ 656 ચૂકવેલા છે. જેની સામે મોરબી દૂધ સંઘ રાજકોટ ડેરીમાંથી અલગ પડેલ છે. મોરબી સંઘે 2019-20નો ભાવફેર રૂપિયા 60 મુજબ ચુકવતા કિલો ફેટ દીઠ 685+60 એટલે કે 745 રૂપિયા ભાવફેર આપવામાં આવ્યો છે. મોરબી સંઘ રાજકોટ સંઘ કરતા 90 રૂપિયા ભાવફેર વધારે ચૂકવવા છતાં નફો કરે છે. આ સાથે જ જણાવ્યું હતું ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયાના ગામના 22 કર્મચારીઓને નોકરી આપવામાં આવી છે. જેમાં મુખ્ય ખાતાની અંદર તેમને સંબંધીઓની નિમણૂંક કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે.

વહીવટદારની નિમણૂંક કરવા માંગ કરી
રાજકોટ સહકારી ડેરીમાં અમુક ઉમેદવારોના ફોર્મ રિજેકટ કરવાનો ચૂકાદો ન આવે ત્યાં સુધી ડેરીમાં વહીવટદારની નિમણૂંક કરવા માટે કિસાન સંઘે રજૂઆત કરી છે. જો કે આ સમગ્ર મામલે અગાઉ કિસાન સંઘના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું હતું.

ગામના જ 22 કર્મચારીઓની મુખ્ય વિભાગમાં ભરતી કરી હોવાનો આક્ષેપ
અગાઉ પૂર્વ ડિરેક્ટર અને કિસાન સંઘ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયાએ પોતાના ગામના જ 22 કર્મચારીઓની મુખ્ય વિભાગમાં ભરતી કરી છે. આ સાથે જ જિલ્લામાં દૂધનો ભાવ પશુપાલકોને રાજકોટ ડેરી દ્વારા પૂરતા પ્રમાણમાં આપવામાં ન આવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જેને લઈને માલધારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.