ગોંડલના યુવક સાથે એક વર્ષથી મૈત્રી કરારથી રહેતી રાજકોટની યુવતી અમીષાએ ગોંડલના પાડોશી પ્રેમીને પામવા માટે તેના પાંચ મહિનાના પુત્રને 18 ફેબ્રુઆરીએ ઝેરી ટીકડા ખવડાવી બાળકના મૃતદેહને દફનાવી દીધો હતો. પુત્રની હત્યા કર્યાના છઠ્ઠા દિવસે યુવતી પાડોશી પ્રેમી સાથે નાસી ગઇ હતી. ગત તા.18 ફેબ્રુઆરીના અમિષાએ પ્રેમી મુન્ના પાસેથી ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા મંગાવ્યા હતા અને 19મીએ સવારે પુત્રને તાવ આવતો હોય રાજકોટ જઇ તેની સારવાર કરાવી આવું તેમ પતિને કહ્યું હતું. બાદમાં 20મીએ દૂધમાં ટીકડા નાંખી પીવડાવી પુત્રને મોતને ઘાટ ઉતારી ગોંડલ સ્મશાનમાં દફનાવી દીધો હતો. આજે રાજકોટ પોલીસે અમિષા અને તેના પ્રેમી મુન્નાને ઝડપી પાડ્યા છે.
10 એપ્રિલે ગોંડલ મામલતદારે પંચનામું કરવા મેજીસ્ટ્રેટનો પત્ર મળ્યો
આ અંગે ગોંડલના મામલતદાર કેવિને જણાવ્યું હતું કે, ગોંડલ મેજીસ્ટ્રેટ સાહેબ તરફથી અમને 10 એપ્રિલના રોજ પત્ર મળ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, ધાર્મિક નામના બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કર્યા વિના ગોંડલના સ્મશાન ગૃહમાં દફનાવવામાં આવ્યો છે. આથી બાળકના પંચનામું કરાવવાની વર્ધી મળી હતી. ગઇકાલે શનિવારે બાળકનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી ફોરેન્સિક પીએમ માટે મોકલી આપ્યો હતા.
અમિષા પુત્ર સાથે રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં આવી હતી
અમિષા પુત્ર ધાર્મિક સાથે રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં આવી હતી, 20 ફેબ્રુઆરીના રોજ સવારે અમિષાએ પુત્રને દૂધમાં ઝેરી ટીકડા ભેળવીને પીવડાવ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલે લઇ ગઇ હતી. જ્યાં તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. પતિને ફોનથી જાણ કર્યા બાદ અમિષા ગોંડલ પહોંચી હતી અને પ્રેમી મુન્ના સાથે મળી બાળકને દફનાવી દીધું હતું. પતિને શંકા જતા પોલીસને અરજી કરી હતી તેથી સમગ્ર હકીકત બહાર આવી હતી.
હત્યાનો બનાવ છતાં તબીબોએ PM ન કર્યું
પાંચ મહિનાના પોતાના જ પુત્રને દિવસમાં બે વખત દૂધ સાથે ઝેરી ટીકડા પીવડાવતા બાળક સાંજે બેભાન થઇ ગયું હતું, અમિષા તેને લઇને સિવિલ હોસ્પિટલે પહોંચી હતી જ્યા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યુ હતું. પોતાનો પુત્ર બીમાર હતો, માસૂમના મૃતદેહને ચીરવો નથી તેવી વાતો આક્રંદ સાથે કરીને અમિષાએ તબીબોની સહાનુભૂતિ મેળવી લીધી હતી અને પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ મૃતદેહ લઇને જતી રહી હતી. બાળકને મૃત જાહેર કરનાર તબીબે શા માટે યોગ્ય તપાસ કરી નહી?, અમિષાની વાત સાંભળી બાળકનું બીમારીથી જ મોત થયું તેવું તબીબે શા માટે માની લીધું?, જેવા અનેક સવાલો ઉઠ્યા છે, પોલીસ આ અંગે ઉંડાણપૂર્વક તપાસ કરે તો તબીબ સામે પણ તપાસ લંબાઇ શકે.
અજાણ્યા શખ્સે અરજી કરતા ભાંડો ફૂટ્યો
ઉપરોક્ત ઘટનાને દોઢેક મહિનાનો સમય થઇ ગયો હશે ત્યારે કોઇ અજાણી વ્યક્તિએ ગોંડલ પોલીસને અરજી કરી હતી અને અમીષાએ તેના પાંચ વર્ષના પુત્રની પ્રેમી માટે હત્યા કરી હોવાનું અને લાશને ગોંડલ પાસે દાટી દીધાનો ઉલ્લેખ કર્યો હતો. ગોંડલ પોલીસે નનામી અરજી સંદર્ભે અમીષા અને મુન્ના સહિતના શખ્સોની પૂછપરછ કરતા નનામી અરજીમાં કરાયેલી વિગતો સાચી સાબિત થઇ હતી. આથી રાજકોટ આજી ડેમ પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.