તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ:ચારણીયા ગામના 3 વર્ષના અર્જુન માટે ICDS વિભાગ શ્રીકૃષ્ણ બન્યો, કિડનીની સમસ્યાની તાત્કાલિક સારવાર મળતા સ્વસ્થ બન્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ વર્ષનો અર્જુન સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યો - Divya Bhaskar
ત્રણ વર્ષનો અર્જુન સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યો
  • કિડની સમસ્યાથી પીડિત 3 વર્ષના અર્જુનને સમયસર સારવાર મળતા સ્વસ્થ થયો

શ્રેષ્ઠ ગાંડીવધારી અર્જુનને પણ મહાભારતનું યુદ્ધ જીતવું અઘરું બન્યું હોત જો ભગવાન શ્રીકૃષ્ણ તેના સારથી ન બન્યા હોત. આવી જ રીતે રાજકોટ જિલ્લાનું ICDS વિભાગ શ્રીકૃષ્ણ બનીને ચારણીયા ગામના ત્રણ વર્ષના અર્જુન માટે સારથીનું કામ કર્યું છે. લોકડાઉન જેવા વિકટ સમયમાં જ્યારે વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ હતો. તેવા સમયે ICDS વિભાગ અને આંગણવાડી બહેનોનો સમય સુચકતાપૂર્ણ નિર્ણયને કારણે કિડનીની સમસ્યાથી પીડિત 3 વર્ષના અર્જુનને સમયસર સારવાર મળી અને આજે સંપૂર્ણ સ્વસ્થ થયો છે.

અર્જુનને કિડનીની તકલીફ હોવાથી આખા શરીરમાં સોજા આવી ગયા હતા

ચારણીયા ગામમાં રહેતા રસીલાબેન અને ખીમજીભાઈ રાઠોડનાં પુત્ર અર્જુનને કિડનીની તકલીફ હોવાથી લોકડાઉનના સમયમાં આખા શરીરમાં સોજા આવી ગયા હતા. બાળકની તબિયત ન સુધરતા ઈલાજ માટે રાજકોટ લઈ જવું અનિવાર્ય હતું. જે માટે અર્જુનના માતા-પિતાએ વડીયા તાલુકાની ખાનગી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. પરંતુ ખાનગી હોસ્પિટલે એમ્બયુલન્સની સુવિધા વડીયા તાલુકા સુધી જ શક્ય બનશે તેમ જણાવતા અર્જુનની સારવાર માટે એક નવો જ પડકાર ઉભો થયો હતો. અર્જુનના માતા-પિતાની આ વેદનાની વાત ચારણીયા ગામના આંગણવાડી વર્કર બહેન ભાણીબેન પરમારને થતાં તેમણે સમગ્ર વાત અમરનગર સેજાના મુખ્ય સેવિકા ઉષાબેન પ્રજાપતિને કરી હતી. મુખ્ય સેવિકા ઉષાબેન પ્રજાપતિ અર્જુનના માતા-પિતા જોડે ફોન પર વાત કરીને આશ્વાસન આપ્યું કે અર્જુનને સારવાર માટે રાજકોટ પહોંચાડવા ICDS વિભાગ સઘન પૂરતા પ્રયત્નો કરશે. 

તાત્કાલિક સારવાર મળતાં અર્જુનનું સ્વાસ્થ્ય ચાર દિવસમાં સામાન્ય થઈ ગયું

સમગ્ર પરિસ્થિતને જાણીને ઉષાબેને જેતપુર તાલુકામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કાર્યરત ડો. વિજયકુમાર સાકરીયા સાથે સંપર્ક કરીને અર્જુન વિશે વાત કરી. અર્જુન વિશે સંપૂર્ણ વાત જાણીને ડોક્ટર સાકરીયાએ ઉષાબેન સાથે સંકલન કરીને 108 એમ્બ્યુલન્સ દ્વારા અર્જુનને જેતપુર સુધી લાવવામાં આવ્યો. જ્યાં R.B.S.K (રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમ)ની ટીમે પાસે જેતપુર તાલુકાના CDPO શોભનાબેન લાડાણીએ અર્જુનની તપાસ કરાવી. તપાસ કર્યા બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ શહેરની બી.ટી.સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો. તાત્કાલિક સારવાર મળતાં અર્જુનનું સ્વાસ્થ્ય ચાર દિવસમાં સામાન્ય થઈ ગયું હતું. આ સમગ્ર કામગીરી ICDS અધિકારી વત્સલાબેન દવે અને જેતપુર તાલુકાના CDPO શોભનાબેન લાડાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. હાલ અર્જુન અને તેના માતા-પિતા ચારણીયા ગામ પરત ફર્યા હતા અને હાલ અર્જુનની સ્થિતિ સારી છે. આમ લોકડાઉન જેવા વિકટ સમયમાં ICDS વિભાગ અને આંગણવાડી બહેનોના સમય સુચકતાપૂર્ણ નિર્ણયને કારણે બાળદર્દીને સમયસરની સારવાર મળી. આવા આપદા સમયે માનવતાભરી આ કામગીરી અન્યો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...