બળાત્કાર:ગોંડલના ખાંડાધારમાં લગ્નની લાલચ આપી યુવકે સગીરાનું ઇકો કારમાં અપહરણ કર્યું, મધ્યપ્રદેશ લઈ જઈ અઢી મહિના સુધી દુષ્કર્મ આચર્યું

ગોંડલએક વર્ષ પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • અપહરણમાં મદદગારી કરનાર આરોપીનો કાકો ઝડપાયો

ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારની સગીરાનું મધ્યપ્રદેશના રાકેશ ડામોરે લગ્નની લાલચ આપી ઇકો ગાડીમાં અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચાર્યાની ઘટના સામે આવી છે. આ અંગે સગીરાના પરિવારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આરોપીના કાકાએ અપહરણમાં મદદ કરી હતી
પોલીસે રાકેશ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધી IPC કલમ 376(2)(એન), 363, 366, 114 તથા પોક્સો એક્ટ કલમ 4, 6 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે તેમજ અપહરણની ઘટનામાં આરોપી રાકેશ ડામોરના કાકા ટકરિયાએ મદદગારી કરી હોઈ તેની સામે પણ ગુનો નોંધાયો છે. ગોંડલ તાલુકા પોલીસે ટકરિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

અઢી મહિના સુધી દુષ્કર્મ આચર્યું
બનાવ અંગે તાલુકા PSI એમ.જે. પરમારે જણાવ્યું હતું કે સગીરાનું અપહરણ 18 જાન્યુઆરીના રોજ થયું હતું. બાદમાં આરોપી શખસ તેને મધ્યપ્રદેશ સુધી લઈ ગયો હતો. આશરે અઢી માસ દરમિયાન અનેકવાર દુષ્કર્મ ગુજારી સગીરાને તેનાં માતા-પિતાના હવાલે કરતાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગેની વધુ તપાસ કે.એન. રામાનુજન દ્વારા હાથ ધરાઇ છે.

રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ.
રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ.

રાજકોટમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ નજીક મંછાનગર વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા અજય ભૂપત દૂધરેજિયાએ 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી હતી. તરુણી ઘરે એકલી હોય ત્યારે સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હવસનો શિકાર બનાવતો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં તરુણીની માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો સહિતની કલમ લગાડી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તરુણી આરોપીને એક વર્ષથી પ્રેમ કરતી
તરુણીની માતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેને કુલ 6 સંતાન છે અને 6 સંતાન પૈકી 17 વર્ષની તરુણી છેલ્લા 1 વર્ષથી અજય સાથે પ્રેમ સંબંધ ધરાવતી હતી. ગત 1 માર્ચના રોજ તરુણી ઘરે એકલી હતી અને આ સમયે અજયે ઘરે આવી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવા કહ્યું હતું. જોકે તરુણીએ ઇન્કાર કરતાં મારી નાખવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તરુણી જ્યારે પણ ઘરે એકલી હોય ત્યારે તે આવી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...