લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આથી ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ કોરોનાની સ્થિતિ વણસી હોવાથી પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાનો ખોડલધામ કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આવતીકાલે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે. પહેલા પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની વાત હતી પરંતુ કોરોનાની સ્થિતિ જોતા જનમેદની એકઠી કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા
ખોડલધામ કોર કમિટીએ પાટોત્સવના આયોજનને લઇને આ નિર્ણય લીધો છે. આ પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. કોરોનાની નવી ગાઈડલાઈનના કારણે વર્ચ્યુઅલ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ખુદ નરેશ પટેલે સમાજને આમંત્રણ આપવા ગુજરાત ભ્રમણ કર્યું હતું
પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે ખુદ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાનાર હોય સ્વયંસેવકો દ્વારા હવનકુંડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
મંદિરમાં ખોડિયાર માતાજીની સાથે અન્ય 20 દેવી-દેવતાઓ બિરાજમાન છે
આ ભવ્ય મંદિરમાં ખોડિયાર માતાજીની મૂર્તિની સાથે માં અંબા, માં બહુચર, મા આશાપુરા, મા વેરાઇ, મા મહાકાળી, મા અન્નપૂર્ણા, મા ગાત્રાળ, મા રાંદલ, મા બુટભાવાની, મા બ્રહ્માણી, મા મોમાઈ, મા ચામુંડા, મા ગેલ, મા શિહોરી, મા નાગબાઈ, મા હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
ખોડલધામ મંદિરની વિશેષતા
કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમા મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકાઈ છે. ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી. જેનો વિચાર નરેશ પટેલને 2002માં મિત્રો સાથે વાત કરતાં આવ્યો હતો.
મંદિરની લંબાઈ 298 ફૂટ અને 7 ઇંચ
ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે. મંદિરની પહોળાઈ 252 ફૂટ અને 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફૂટ અને 7 ઇંચ છે. જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ 1 ઇંચ છે. ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઉંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કળશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે.
ઓરિસ્સાના કારીગરો દ્વારા મૂર્તિઓ કંડારવામાં આવી હતી
ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારવામાં આવેલી લગભગ 650 મૂર્તિઓ માંડોવરથી ખોડલધામ મંદિરની શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે. પિલર, બીમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે. ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં થાય છે. એટલે કે જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય તેને મહામેરૂ પ્રાસાદ કહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.