વિધિવત રાજકીય પ્રવેશ ક્યારે?:ખોડલધામ ‘નરેશ’ આજે દિલ્હીમાં, 4 કોંગી MLA સાથે સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ જોડે ચર્ચા કરી: સૂત્રો

રાજકોટ11 દિવસ પહેલા
  • નરેશ પટેલ સાથે MLA પ્રતાપ દુધાત, લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ પહોંચ્યા દિલ્હી
  • રાજકીય પ્રવેશને હજુ પણ સમય લાગી શકે એવા સંકેતો

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ચૂંટણી આવે એટલે રાજકીય રાગ આલાપવાનું શરૂ કરી દે છે. એક સમયે પરિવાર પણ રાજકારણમાં જોડાવા ના પાડી રહ્યો હતો, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ પરિવારે પણ રાજકારણમાં જોડાવાની મંજૂરી આપી દીધી છે. ત્યારે નરેશ પટેલ આજે સવારે 8.45 વાગ્યાની ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના થયા હતા. હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે નરેશ પટેલ સાથે દિલ્હીમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો પ્રતાપ દુધાત, લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ પણ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ સાથે બેઠક કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને આ બેઠકમાં રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.

દિલ્હીમાં રાજકીય અગ્રણીઓ સાથે ચર્ચા કરી શકે છે
શનિવારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સાથે નરેશ પટેલે બેઠક કરી હતી. બંને વચ્ચે રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની વાત થયાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગે મુદત પર મુદત પાડી રહ્યા હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ આજે રાજકારણમાં પ્રવેશ માટે દિલ્હીમાં રાજકીય અગ્રણીઓ સાથે ચર્ચા કરી શકે છે. નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને હજુ પણ સમય લાગી શકે એવા સંકેતો જોવા મળી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપના નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે.

6 દિવસ પહેલાં ભાજપના 4 ધારાસભ્ય સાથે બેઠક કરી હતી
6 દિવસ પહેલાં અમદાવાદના ઠક્કરબાપાનગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયા સાથે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ ખોડલધામ આવ્યા હતા. આ ચારેય ધારાસભ્ય ખોડલધામમાં ખોડિયાર માતાજીનાં દર્શને આવ્યા હતા. ત્યારે ખોડલધામથી નીકળતી વખતે નરેશ પટેલ સાથે મુલાકાત થઈ હતી. આ એક શુભેચ્છા મુલાકાત હોવાની પણ વાત બહાર આવી હતી. આ ચારેય નેતાઓએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ શીશ ઝુકાવ્યા બાદ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી.

જામનગરમાં ભાજપના નેતાઓ સાથે નરેશ પટેલ એક રથમાં સાથે જોવા મળ્યા હતા.
જામનગરમાં ભાજપના નેતાઓ સાથે નરેશ પટેલ એક રથમાં સાથે જોવા મળ્યા હતા.

જામનગરમાં નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા
જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાનપદે જામનગરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસસ્થાને ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. ત્યારે ગત મંગળવારે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જામનગર દક્ષિણના ધારાસભ્ય, આર.સી.ફળદુ, ભાજપના નેતા વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડિયા સહિતના નેતાઓએ હાજરી આપી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ આ પોથીયાત્રામાં હાજર રહ્યા હતા. પોથીયાત્રા દરમિયાન નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે એક જ રથમાં સવાર જોવા મળ્યા હતા.

27 એપ્રિલે ખોડલધામમાં પાટીદારો સાથે બેઠક યોજાઈ હતી
રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામમાં 27 એપ્રિલે અલગ અલગ ચાર બેઠક યોજાઈ હતી, જેમાં સૌથી પહેલા ટ્રસ્ટીમંડળની બેઠક યોજાઈ હતી. ટ્રસ્ટીમંડળની બેઠક બાદ સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની બેઠક મળી હતી અને બાદમાં ગુજરાતના કન્વીનરોની બેઠક યોજાઈ હતી. આ સમયે નરેશ પટેલે કહ્યું હતું કે હું શું કરું, રાજકારણમાં જોડાવ? ત્યારે ખોડલધામના ગુજરાતના કન્વીનરો એક સૂર સાથે બોલ્યા હતા કે હા... તમારે રાજકારણમાં આવવું જોઈએ.

27 એપ્રિલે ખોડલધામમાં પાટીદારો સાથે બેઠક કરી હતી.
27 એપ્રિલે ખોડલધામમાં પાટીદારો સાથે બેઠક કરી હતી.

24 એપ્રિલે કોંગ્રેસના મનહર પટેલ સાથે બેઠક કરી હતી
24 એપ્રિલે નરેશ પટેલે પ્રદેશ કોંગ્રેસ-પ્રવક્તા મનહર પટેલ સાથે ખોડલધામ ખાતે બેઠક યોજી હતી. ત્યારે નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે મનહર પટેલનો રાજકારણમાં આવવાનો આગ્રહ છે. ખાસ તો રાજકરણમાં મારા પ્રવેશ અંગે મને હૂંફ આપવા આવી છે. આ અંગે મનહર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે દરેક સમાજના લોકોની મારી સાથે નરેશભાઇ પટેલને મળવાની ઈચ્છા હતી. આથી વિવિધ સમાજના આગેવાનો સાથે નરેશભાઈએ મુલાકાત કરી છે અને તેઓ રાજકારણમાં પ્રવેશ લઇ રહ્યા છે. ત્યારે તેઓ સારો અને યોગ્ય નિર્ણય લે એ જ અમારી ઇચ્છા છે અને આ અંગેની ચર્ચા જ આજે અમારી બેઠકમાં થઈ હતી .

નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત મનાઈ રહ્યો છે
ખોડલધામમાં પ્રથમ બે તબક્કામાં મળેલી બેઠકમાં સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં ગુજરાતના કન્વીનરો સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતનાં તમામ શહેરોમાંથી મહિલા અને પુરુષ કન્વીનરો હાજર રહ્યાં હતાં તેમજ ગુજરાતના તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ એવો સૂર આપ્યો હતો. આથી કન્વીનરોની બેઠક બાદ નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં તાલુકાના સક્રિય કન્વીનરોની બેઠક મળશે, જેમાં પણ નરેશ પટેલ રાજકીય પ્રવેશ અંગે કન્વીનરોનાં મંતવ્યો જાણશે.

સરવે પૂર્ણ થવા પર સૌની નજર
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સરવે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થવા પર સૌકોઈની નજર છે. બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...