આમંત્રણ છતાં ગેરહાજર:PMના ભવ્ય કાર્યક્રમમાં ખોડલધામ 'નરેશ’ ગેરહાજર, પાટીદારોએ હોસ્પિટલ બનાવી છતાં મોભીની ભાજપથી દૂરી

રાજકોટ3 મહિનો પહેલા
  • હોસ્પિટલના નિર્માતા ડો. ભરત બોઘરાએ નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું

જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા 40 કરોડના ખર્ચે 200 બેડની કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ હોસ્પિટલના લોકાર્પણમાં ઉમિયાધામ અને ખોડલધામના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં લેઉવા પટેલ સમાજના મોભી નરેશ પટેલે ભાજપથી દૂરી બનાવી કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. નરેશ પટેલ કયા પક્ષ સાથે જોડાશે એ જાહેર કરવામાં તેમણે ખૂબ જ ઢીલ રાખી છે. જો ભાજપ પ્રત્યે લગાવ હોય અને પોતાના સમાજના ભવ્ય કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન આવ્યા હોય છતાં નરેશ પટેલ ગેરહાજર રહે તો આ ખૂબ જ સૂચક છે કે તેમણે ભાજપથી અંતર જાળવી રાખ્યું છે.

આમંત્રણપત્રિકામાં નામ લખતાં વિવાદ થયો હતો
હોસ્પિટલના નિર્માતા અને ગુજરાત ભાજપ-ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પહેલાં જ જણાવ્યું હતું કે હું નહીં આવી શકું. જોકે આમંત્રણ સમયે નરેશ પટેલના નામજોગ આમંત્રણ ન આપતાં સોશિયલ મીડિયામાં વિવાદ થયો હતો. આમંત્રણપત્રિકામાં પણ નરેશ પટેલનું નામ નથી અને માત્ર ખોડલધામનો લોગો હતો.

પટેલ સમાજ દ્વારા નિર્માણ થયેલી હોસ્પિટલ.
પટેલ સમાજ દ્વારા નિર્માણ થયેલી હોસ્પિટલ.

કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલી રહી છે
નરેશ પટેલ 31 મેના રોજ રાજકારણમાં જોડાશે કે નહીં એ અંગેનો નિર્ણય જાહેર કરશે એવું જણાવ્યું હતું. હાલ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે પણ નરેશ પટેલની ચર્ચા ચાલી રહી છે, પરંતુ ભાજપના હાઇકમાન્ડ સાથે નરેશ પટેલ ડિનર ડિપ્લોમેસી કરી ચૂક્યા છે, પરંતુ હાલ પટેલ સમાજ સહિત લોકોમાં પણ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે કે વડાપ્રધાનની હાજરી અને પાટીદાર સમાજની મેદનીના ભવ્ય સમારોહમાં પાટીદારના મોભી ગણાતા નરેશ પટેલ જ ગેરહાજર રહ્યા.

કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે નરેશ પટેલની ચર્ચા ચાલી રહી છે.
કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે નરેશ પટેલની ચર્ચા ચાલી રહી છે.

નરેશ પટેલ ભાજપથી દૂર રહ્યા
નરેશ પટેલની ગમે તેવી વ્યસ્તતા હોય, પરંતુ દેશના વડાપ્રધાન અને મોટી સંખ્યામાં સમાજ ઊમટ્યો હોય છતાં તેમણે તેમના કાર્યક્રમમાં કોઈ બાંધછોડ કરી નહીં અને હાજરી ન આપી. આ બહુ સૂચક વાત છે કે નરેશ પટેલ ભાજપથી થોડા દૂર રહ્યા છે તેમજ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચાઓ ચાલી રહી છે. આગામી 31 મેના રોજ પોતે ભાજપમાં જોડાશે એવું અહીં કોઈ ચિત્ર ઊપસતું નથી.

અન્ય સમાચારો પણ છે...