રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે MLA જયેશ રાદડિયાના હસ્તે ઓકશન શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે બાદ MLA રાદડિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, યાર્ડમાં રૂ.10 કરોડના ખર્ચે ઓકશન શેડ બનશે અને હવે કમોસમી વરસાદ કે ચોમાસામાં ખેડૂતોની મગફળી નહીં પલળે.
શેડની પહોળાઈ 101 મીટર અને લંબાઈ 147 મીટરની હશે
નોંધનીય છે કે ચોમાસા દરમિયાન તથા કમોસમી વરસાદને પગલે સમયાંતરે ખેડૂતોની ઉપજ વરસાદમાં પલળી જવાને કારણે નુકસાન પામતી હતી. ત્યારે હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઓકશન શેડનું ખાતમુહૂર્ત થતા ખેડુતોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. આ તકે વધુમાં MLA રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. તેના ઉપક્રમે આ ઓકશન શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ શેડની પહોળાઈ 101 મીટર અને લંબાઈ 147 મીટરની હશે. જેથી મગફળી સહિતના ખેડૂતોના પાકને નુકસાન નહીં પહોંચે.
ઓક્શન શેડનું ખાતમુહર્ત થતા ધરતીપુત્રોમાં હાશકારો
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગત 14 ડિસેમ્બરના રોજ રાત્રે મગફળી માટે દરવાજા ખોલાતા 35,000 ગુણી મગફળીની આવક થઈ હતી.જેમાં મગફળીનો ભાવ 1080થી 1350 રૂપિયા સુધી બોલાયો હતો.મગફળીની આવક માટે દરવાજા ખોલાતા 200 વાહનોમાંથી માલ ઠલવાયો હતો. મગફળી જાડીની આવક 4000 ક્વિન્ટલ અને ભાવ 1080થી 1350 તેમજ મગફળી ઝીણીની 6500 ક્વિન્ટલ અને ભાવ 1080થી 1200 જોવા મળ્યા હતા. ખેડૂતોનો માલ ન બગડે તે માટે પ્લેટફોર્મ ઉપર ઉતારવા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાથે સાથે માલ ઢાંકીને લાવવા કહેવાયું હતું. જો કે હાલ ઓક્શન શેડનું ખાતમુહર્ત થતા ધરતીપુત્રોએ હાશકારો અનુભવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.