શહેરના ભગવતીપરા વિસ્તારમાં સામાન્ય બાબતે છ શખ્સે મામા-ભાણેજ પર છરીથી હુમલો કર્યાનો ગત મોડી રાતે બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભગવતીપરા વિસ્તારમાં આવેલી વિજયવંત સોસાયટી-1માં રહેતા નંદલાલ ગોવિંદભાઇ ડાંગરે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત રાત્રીના સાડા બાર વાગ્યાના અરસામાં પુત્ર અને ભાણેજ વિવેક ચોકમાં બેઠા હતા.
આ સમયે દેકારો થતા પોતે બહાર નીકળતા અમારા જ વિસ્તારમાં રહેતો દીપક મહેશ મિયાત્રા, પરેશ સહિત છ શખ્સ ઝઘડો કરી દીપકે તેની પાસે રહેલી છરીથી ભાણેજ વિવેક પર હુમલો કરી વાંસામાં ઘા ઝીંકી દીધો હતો. વધુ હુમલાથી બચવા ભાણેજ વિવેક ત્યાંથી ભાગી ગયો હતો. જેથી પોતે ત્યાં દોડી જતા દીપકે છરીથી પોતાના ઉપર પણ હુમલો કરી બેઠકનાં ભાગે ઘા ઝીંકી દીધો હતો. ત્યાર બાદ પરેશે પણ તેની પાસે રહેલી છરીથી હુમલો કર્યો હતો, પરંતુ પોતે હટી જતા ઘાથી બચ્યો હતો.
મોડી રાત્રીના હુમલાના બનાવથી દેકારો મચી જતા પત્ની અને ભાણેજ પણ ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને પોતાને બચાવવા વચ્ચે પડતા દીપક, પરેશ સહિતનાઓએ તેમને પણ માર માર્યો હતો. જે મારામારીમાં પત્ની અને ભાણેજનો સોનાનો ચેઇન પણ ક્યાંક પડી ગયો હતો.
બનાવને પગલે લોકો એકઠા થઇ જતા આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. હુમલામાં ઇજા થતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ભાણેજ વિવેક ચોકમાં બેસતો હોય જે દીપકને ગમતું ન હોવાનો ખાર રાખી હુમલો કર્યાનું કારણ ઇજાગ્રસ્ત નંદલાલે ફરિયાદમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.