તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂબંધીના લીરેલીરા:રાજકોટમાં ખાખીનો ખૌફ ઓસર્યો? દૂધના પાઉચ વેચતો હોય તેમ બૂટલેગર દેશી દારૂની કોથળીઓ વેચતો વાઇરલ વીડિયોમાં કેદ

રાજકોટ3 મહિનો પહેલા
પોલીસનો ડર રાખ્યા વગર બૂટલેગરનો ધંધો ધમધમી રહ્યો છે.
  • પોલીસ અવારનવાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર મેગા ડ્રાઇવ કરે છે

રાજકોટમાં દેશી દારૂની બદી નાબૂદ કરવા માટે પોલીસ દર રવિવારે મેગા ડ્રાઇવ કરે છે. પરંતુ આ મેગા ડ્રાઇવમાં 10થી 20 લીટર જેટલો દારૂ પકડાય છે. તેમ છતાં પોલીસ તેને મેગા ડ્રાઇવ નામ આપે છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો રાજકોટનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક બૂટલેગર દૂધના પાઉચ વેચતો હોય તેમ દેશી દારૂની કોથળીઓ ખુલ્લેઆમ વેચતો હોય તેવું દ્રશ્યમાન થાય છે. બૂટલેગર દ્વારા પોલીસને હપ્તા પહોંચી જાય છે કે પછી બૂટલગેરને પોલીસનો ડર નથી તેવા અનેક સવાલ લોકોના મનમાં ઉઠ્યા છે.

વેચાણ કરનાર બૂટલેગરને કાયદાનો કોઇ ડર નહીં
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સામાન્ય ચીજોનું વેચાણ થતું હોય તેમ સામાકાંઠા વિસ્તારમાં દેશી દારૂ વેંચાય રહ્યો છે. એટલું જ નહીં અહીં દારૂ વેચવા અને ખરીદવા આવતા લોકોમાં પોલીસ કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ભય પણ દેખાતો નથી. એક બાદ એક લોકો દૂધના પાઉચ ખરીદવા આવતા હોય તેવી રીતે આવે છે. વેચાણ કરનાર બૂટલેગરને કોઈ પણ ભય વિના આરામથી બધાને પ્રસાદીની માફક દારૂની કોથળીઓ આપી રહ્યો છે. વીડિયો જોતા વેચનાર ઉપર પોલીસનાં ચારેય હાથ હોય તેવું સ્પષ્ટ જણાય રહ્યાની ચર્ચા લોકોમાં ઉઠી છે.

કોઇનો ડર ન હોય તેમ બૂટલેગર આરામથી દેશી દારૂ વેચી રહ્યો છે.
કોઇનો ડર ન હોય તેમ બૂટલેગર આરામથી દેશી દારૂ વેચી રહ્યો છે.

બોર્ડર પર ચૂસ્ત બંદોબસ્ત છતાં વિદેશી દારૂ ગુજરાતમાં કેમ પહોંચે છે?
ગુજરાતનાં તમામ શહેરો તેમજ ગામોમાંથી પોલીસ દ્વારા કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાય છે. પરંતુ પોલીસની કામગીરીને સરકાર કાયદાનો કડક અમલ કરાવ્યાનું નામ આપે છે. પરંતુ ઝડપાયેલો દારૂ રાજ્યની બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં જુદા-જુદા શહેરોમાં કંઈ રીતે પહોંચે છે તે જવાબ આપવા કોઈ તૈયાર નથી. તેમજ દેશી દારૂનો વેપાર રાજ્યનાં તમામ શહેરોમાં ધમધમતો હોવાનું સૌ કોઈ સારી રીતે જાણે છે.

12 દિવસ પહેલા કાલાવડ રોડ પર દેશી દારૂની ભઠ્ઠીનો વીડિયો વાઇરલ થયો હતો
રાજકોટમાં કાલાવડ રોડ ઉપર ખુદ કલેક્ટર હસ્તકની સરકારી જગ્યાને જ બુટલેગરોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. અહીં સરાજાહેર દારૂ બનાવવામાં અને વેચવામાં આવતો હોવાનો લાઇવ વીડિયો 12 દિવસ પહેલા સામે આવ્યો હતો. જેમાં બુટલેગર બોલે છે કે, પોલીસને મોટા હપ્તા આપીએ છીએ. એટલું જ નહીં આ બુટલેગરો સહિત તેમના ગ્રાહકો દ્વારા નજીકમાં આવેલી એવરેસ્ટ પાર્કનાં લોકોની વિવિધ રીતે હેરાનગતિ કરવામાં આવે છે. જેને લઈને અહીં રહેતા લોકોનું જીવવું પણ મુશ્કેલ બની ચૂક્યું છે.

લોકો પણ ડર રાખ્યા વગર દારૂ ખરીદવા આવી રહ્યાં છે.
લોકો પણ ડર રાખ્યા વગર દારૂ ખરીદવા આવી રહ્યાં છે.

દેશીદારૂની ભઠ્ઠીઓને લઇ સ્થાનિક લોકોમાં રોષ
હવે એવરેસ્ટ પાર્કમાં રહેતા લોકો દ્વારા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને આ મામલે રજૂઆત કરવા જણાવ્યું હતું. જો ઉકેલ નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવાની પણ તૈયારી સ્થાનિકોએ દર્શાવી હતી. ત્યારે હવે સામાન્ય લોકો સામે સિંઘમ બનતી પોલીસ આ બુટલેગરોને કાયદાનું ભાન ક્યારે કરાવશે તેનાં પર સૌની મીટ મંડાયેલી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, દારૂ ઉકળે ત્યારે અતિશય ખરાબ દુર્ગંધ આવતા મહેમાન સહિત અમારા બાળકો પર પણ ખૂબ ખરાબ અસર પડે છે. આ અંગે કલેક્ટર કચેરી, કમિશનર કચેરી અને પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી હતી.