છેતરપિંડી:સોની વેપારીનું 7 કરોડનું સોનું લઇ કેવડાવાડીનો શખ્સ ફરાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેપારી પાસેથી સોનું લઇ દાગીના પરત નહીં કરી છેતરપિંડી આચરી
  • પરિવારજનો ગુમ અંગેની જાણ કરવા ગયો’તો પોલીસે કહ્યું તમારો પુત્ર છેતરપિંડી કરી ભાગી ગયો છે, ગુનો નોંધવાની તજવીજ

શહેરના સોનીબજારમાં છાશવારે કારીગરો વેપારીઓનું સોનું લઇને પલાયન થઇ જાય છે પરંતુ આ વખતે સ્થાનિક શખ્સ વેપારીઓનું રૂ.7 કરોડનું સોનું લઇને પલાયન થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. શહેરમાં સાતેક સોની વેપારીઓ પાસેથી તેજશ ઉર્ફે બોબી નામનો શખ્સો સોનું મેળવી દાગીના બનાવવાનું કામ કરતો હતો, વેપારીઓ પાસેથી સોનું લઇ બોબી નિયત સમયે દાગીના બનાવીને આપતો હતો, પરંતુ કેટલાક સમયથી બોબીએ નવો ખેલ શરૂ કર્યો હતો.

વેપારી પાસેથી સોનું મેળવતો હતો તેટલા પ્રમાણમાં દાગીના આપતો નહોતો, અને થોડા દિવસો બાદ અન્ય દાગીના આપી દેશે તેવી વાત કરતો હતો, વર્ષોથી બોબી દાગીના બનાવીને આપતો હોવાથી વેપારીને તેના પર વિશ્વાસ હતો પરંતુ વેપારીઓએ લાંબા સમયે હિસાબ માંડ્યો તો બોબી પાસેથી 7 કરોડનું લેણું નીકળતું હોવાનું બહાર આવ્યું હતું, બોબીએ પણ થોડા દિવસમાં સોનું પરત કરી દેશે તેવી વાતો કરી સમય પસાર કર્યો હતો અને અંતે હાથ ઊંચા કરી દીધા હતા. અંતે આ અંગે વેપારીઓએ ક્રાઇમ બ્રાંચમાં અરજી કરતાં પોલીસે બોબીની શોધખોળ શરૂ કરી હતી.

બીજીબાજુ કેવડાવાડીમાં રહેતો રાણપરા પરિવાર ગુરુવારે રાત્રે એ.ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને તેમનો પુત્ર તેજશ ઉર્ફે બોબી શિરીષ રાણપરા ગુરુવારે સવારે કરણસિંહજી હાઇસ્કૂલ નજીકથી લાપતા થયાની વાત કરી હતી, પોલીસ તેજશ ઉર્ફે બોબીના ગુમ થવાની નોંધ કરતી હતી તે વખતે જ તેજશ ઉર્ફે બોબીએ રૂ.7 કરોડના સોનાનું ફુલેકું ફેરવ્યાની જાણ થતાં પોલીસે ગુમની નોધ કરવાને બદલે બોબી સામે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી.અગાઉ પણ આ પ્રકારે સોની વેપારીઓનું સોનું લઇને બંગાળી કારીગરો તેમજ અન્ય શખ્સો લઇને જતા રહ્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...