ભાસ્કર ફોલોઅપ:કેતનના માણસો ડો. રાઠોડના નામે વેપારીઓને ખાખરા પધરાવતા’તા

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેતન રાઠોડે આરોગ્ય અધિકારીના નામનો ઉપયોગ પણ કરી લીધો
  • ‘રાઠોડ સાહેબે કીધું છે ખાખરા રાખવાના છે’ તેમ કહી દબાવતા હતા

રાજકોટ મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર કેતન રાઠોડ પોતાના પત્નીના નામે ખાખરાની ફેક્ટરી ચલાવી હોદ્દાનો દુરુપયોગ કરી વેપારીઓ સુધી માલ પહોંચાડતો હતો. દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યા બાદ એ વાત પણ સામે આવી છે કે કેતન રાઠોડ તેના ઉપરી અધિકારી એવા નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડનું પણ નામ વટાવી લેતા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે, પાપાઝ બ્રાન્ડના ખાખરા વેચવા માટે જ્યારે કોઇ સેલ્સમેન આવતા એટલે ‘રાઠોડ સાહેબે કીધું છે તમારે આ ખાખરા રાખવાના છે’ જો કોઇ વેપારી આનાકાની કરે તો સેલ્સમેન ફોન કાઢીને રાઠોડ સાહેબ સાથે વાત કરાવવાનું કહેતો હતો.

વેપારીઓ રાઠોડ સાહેબ એટલે નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ સમજતા હતા આ મુદ્દે ઘણા વેપારીઓએ ડો. પી. પી. રાઠોડ સુધી વાત પહોંચાડી હતી પણ તેઓને ખાખરા સાથે કોઇ નિસ્બત ન હોવાથી આ વાતને ગણકારી ન હતી આખરે વેપારીઓને જે રાઠોડ સાહેબના નામથી દબાડાવાતા હતા તે બીજું કોઇ નહિ પણ કેતન રાઠોડ જ હોવાનું બહાર આવ્યું છે.

ઘણા વેપારી એમ પણ જણાવે છે કે, ઘણા કર્મચારીને ખાખરાની ફેક્ટરી વિશે ખબર હતી, કેતન રાઠોડને લઈને ઘણી ફરિયાદો આવી હતી. ઉચ્ચ અધિકારીઓ સુધી પગલાં લેવાય ત્યાં સુધી વાત પહોંચે એટલે કમિશનર બ્રાન્ચના એક અધિકારી કેતન રાઠોડનો બચાવ કરવા પહોંચી જતા.

આરોગ્ય અધિકારીને વિગતો એકઠી કરવા આદેશ
નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમારને ખાખરાકાંડની તપાસ સોંપાઈ છે. આ મામલે તેઓએ મનપાના આરોગ્ય અધિકારી તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર્સના સિનિયર એવા ડેઝિગ્નેટેડ ઓફિસર પાસે તમામ માહિતીઓ માગી છે. આ ઉપરાંત કેતન રાઠોડના પણ નિવેદન લેવામાં આવશે. રાઠોડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નહિ પણ મનપાના કર્મચારી હોવાથી તેમના પર પગલાં સ્થાનિક તંત્ર દ્વારા જ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...