રાજકોટમાં AAPનો ચૂંટણી પ્રચાર શરૂ:કેજરીવાલે ઘરે ઘરે જઈને ગેરંટી કાર્ડ આપ્યા, વડીલોનાં ચરણોમાં શીશ ઝુકાવી મત માંગ્યા

રાજકોટ22 દિવસ પહેલા

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આજનો દિવસ ચૂંટણી પ્રચારનો દિવસ બની ગયો છે. સવારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી યુવાનની રેલી યોજી હતી અને કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. હજુ આ ઘટનાને માંડ 1 કલાક વીત્યો હશે ત્યાં જ દિલ્હીના CM અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળી પડ્યા હતા, અને ઘરે ઘરે જઈને AAPના ગેરંટી કાર્ડ આપી વડીલોનાં ચરણોમાં શીશ નમાવી લોકોને AAPને મતદાન કરવા અપીલ કરી હતી. નોંધનીય છે કે શહેરમાં સાંજે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એક કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારે ચૂંટણી પૂર્વે ચૂંટણી પ્રચારમાં ભાજપ અને AAPના નેતાઓ દ્વારા મતદારોને રીઝવવાનો જંગ શરૂ થઈ ગયો હતો.

કેજરીવાલની ડોર ટુ ડોર વિઝિટ
કેજરીવાલની ડોર ટુ ડોર વિઝિટ

3 ગેરંટીકાર્ડ આપવામાં આવ્યાં
ગુજરાતમાં સૌપ્રથમ વખત રાજકોટના થોરાળા વિસ્તારમાં જનસંપર્ક માટે પહોંચ્યા હતા. જ્યાં લોકોની વચ્ચે બેસી આમ આદમી પાર્ટીની કાર્યપદ્ધતિ વિશે સમજણ આપી હતી, અને લોકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. આ તકે લોકોનો પ્રતિસાદ તેમને મળ્યો હતો. શહેરમાં કેજરીવાલની ડોર ટુ ડોર વિઝિટ દરમિયાન શહેરીજનોને રજિસ્ટ્રેશન નંબર સાથે અલગ અલગ 3 ગેરંટી આપવામાં આવી હતી. જેમાં વ્યક્તિનું નામ, મોબાઇલ નંબર, ગામ કે વોર્ડનો નંબર તેમજ જે તે વિધાનસભા નંબર લખી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને ફોર્મની પાવતી સાથે રાખીને દરેકને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યાં હતાં. આ 3 ગેરંટી કાર્ડમાં રોજગાર ગેરંટી કાર્ડ, મહિલા ગેરંટી કાર્ડ અને વીજળી ગેરંટી કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અલગ અલગ 3 ગેરંટી આપવામાં આવ્યાં
અલગ અલગ 3 ગેરંટી આપવામાં આવ્યાં

કેજરીવાલ કાફલા સાથે થોરાળા વિસ્તારમાં પહોંચ્યા
અરવિંદ કેજરીવાલ પોતાના કાફલા સાથે થોરાળા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં લોકો વચ્ચે બેસીને તેમણે દિલ્હી અને પંજાબમાં કરવામાં આવી રહેલી AAP સરકારની કામગીરી અંગે વિગતો આપી હતી. જેમાં AAP દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર ભાર આપવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. સાથે જ 18 વર્ષથી મોટી બધી મહિલાઓને રૂ.1000 આપવાની અને જૂના બાકી વીજ બિલ માફ કરવાની સાથે 200 યુનિટ ફ્રી આપવા જણાવ્યું હતું. એટલું જ નહીં લોકોને AAPના નંબર પર મિસ્કોલ કરી રજિસ્ટ્રેશન કરાવડાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને પોતાના વિવિધ પ્રશ્નો કેજરીવાલ સમક્ષ રજૂ કર્યા હતા.

લોકોએ પોતાના વિવિધ પ્રશ્નો કેજરીવાલ સમક્ષ રજૂ કર્યા
લોકોએ પોતાના વિવિધ પ્રશ્નો કેજરીવાલ સમક્ષ રજૂ કર્યા

આ ખૂબ જ મોટી વાત કહેવાય: સ્થાનિક
આ અંગે સ્થાનિક ભરતભાઈ વાળાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે કેજરીવાલ દ્વારા દિલ્હી અને પંજાબમાં થયેલાં વિકાસ કામો અંગે વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત અમને ત્રણ અલગ અલગ ગેરંટી કાર્ડ આપવામાં આવ્યાં હતાં. જેમાં બેરોજગારી, વીજળી અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ ખૂબ જ મોટી વાત કહેવાય કે દિલ્હીના મુખ્યમંત્રી અમારા ઘરે આવ્યા અને અમને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...