ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીમાં હલચલ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં આપને મજબૂત કરવા દિલ્હીના મુખ્યમંત્રી 11મેએ રાજકોટની મુલાકાતે આવી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. શહેરના શાસ્ત્રીમેદાન ખાતે સાંજે 5 વાગ્યે જાહેરસભા યોજાશે. આથી રાજકોટ આપના નેતાઓ સભાસ્થળ શાસ્ત્રીમેદાનમાં સાફ-સફાઈ હાથ ધરાવી છે.
રાજકોટ આપના નેતાઓ તૈયારીમાં લાગ્યા
11મેએ યોજાનાર કેજરીવાલની જાહેરસભામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના આપના મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડશે. અરવિંદ કેજરીવાલની જાહેરસભાને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠિયા, રાજભા ઝાલા સહિતના આગેવાનો તૈયારીમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં કોંગ્રસ-ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકરો આપની ટોપી પહેરી પાર્ટીમાં જોડાય તેવી રાજકીય હલચલ શરૂ થઈ છે.
જાહેરસભા પહેલા રોડ-શો યોજાશે
અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી છે. જેને વહીવટી તંત્રએ મંજૂરી આપી દીધી છે. સભા પહેલા રોડ-શો યોજાશે. રાજકોટમાં કેજરીવાલ કોને મળવાના છે, રાજકોટ બાદ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જશે તે અંગે જાણવા મળ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.