વ્યાજખોરોને કાબૂમાં રાખવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રે ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે વ્યાજખોરની પઠાણી ઉઘરાણીનો વધુ એક બનાવ પોલીસમાં નોંધાયો છે. મૂળ કાલાવડના રાજસ્થળી ગામના અને રાજકોટમાં બાપા સીતારામ ચોક પાસે કાવેરી પાર્ક-3માં રહેતા અશોક ધીરજલાલ અમીપરા નામના યુવાને કોઠારિયા ગામમાં રહેતા દેવરાજ સુખા સોનારા નામના વ્યાજખોર સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.યુવાનની ફરિયાદ મુજબ, હાલ તે જામનગર લાલબંગલા પાસે આવેલા ઇન્ડસ્ટ્રીઝમાં ઓપરેટર તરીકે નોકરી કરું છું અગાઉ પોતે બાપા સીતારામ ચોક પાસે 2013થી સ્ટેશનરીની દુકાન ધરાવતો હતો.
દરમિયાન સ્ટેશનરીની દુકાનની બાજુમાં દુકાન ધરાવતા મિત્રને ધંધામાં રોકાણ માટે તેમજ મકાનના લોનના હપ્તા ભરવા માટે નાણાંની જરૂરિયાત હોવાની વાત કરી હતી. જેથી તેને તેના મિત્ર દેવરાજ સોનારા વ્યાજ વટાવનો ધંધો કરતા હોવાનું કહી તેનો સંપર્ક કરાવ્યો હતો. જેથી વ્યાજખોર દેવરાજ સોનારાએ પોતે 10 ટકાના વ્યાજે રૂપિયા આપતા હોવાની વાત કરી હતી.
નાણાંની જરૂરિયાત હોવાથી તેની વાતમાં સહમત થઇ 2021ના જૂન મહિનામાં 10 ટકાના વ્યાજે રૂ.3 લાખ લીધા હતા. વ્યાજે રૂપિયા લીધા બાદ પોતે 10 ટકા વ્યાજ વ્યાજખોર દેવરાજભાઇને સમયસર ચૂકવતો હતો. વ્યાજખોર દેવરાજ સોનારા પાસેથી વ્યાજે લીધેલા નાણાં બાદ 2022ના જૂન મહિનામાં ત્રણ લાખ સામે રૂ.5.40 લાખ ચૂકવી આપ્યા હતા. છતાં ધમકી આપતો હોવાથી ફરિયાદ નોંધાવી છે.
વધુ ત્રણ વ્યાજખોર સામે નોંધાઇ ફરિયાદ
મોરબી રોડ, સેટેલાઇટ ચોક પાસે રહેતા રતનશીભાઇ ઉર્ફે બાબુભાઇ કલ્યાણજીભાઇ લીંબાસિયા નામના પ્રૌઢે રાજારામ સોસાયટીના રાજુ ગઢવી, પેડક રોડ પરના ભયલો ભરવાડ, અને આર્યનગરના મયૂર આહીર નામના વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.