દાનની સરવાણી ફૂટી:આટકોટમાં કે.ડી. પરવાડિયા હોસ્પિટલ બાદ અહીં બનશે મેડિકલ કોલેજ, 51 હજારથી 21 કરોડ સુધીનું દાન કરતા દાતાઓ

રાજકોટએક મહિનો પહેલા
  • 14 કરોડની મશનરી સાથે 300નો સ્ટાફ હોસ્પિટલમાં ખડેપગે રહેશે

જસદણના આટકોટ ગામે 40 કરોડના ખર્ચે 200 બેડની કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 24 ઓપીડીથી માંડીને તમામ સર્જરી થઈ શકશે. આ હોસ્પિટલનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ત્યારે અહીં મેડિકલ કોલેજ પણ શરૂ કરવામાં આવશે. હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કોલેજ પણ શરૂ કરવા તૈયારી દાખવી છે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના પાટીદાર અગ્રણીઓએ દાનની સરવાણી કરી છે. 51 હજારથી 21 કરોડ રૂપિયા સુધીનું દાન દાતાઓ કર્યું છે. 25 લાખ આપનારા 100 દાતાનો ટ્રસ્ટી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વિદેશથી 14 કરોડનાં મશીન ઈમ્પોર્ટ કરાયાં
આ મલ્ટીસ્પેશિયાલિટી ચેરિટી હોસ્પિટલ માટે રેડિયોલોજી, પેથોલોજી સહિતના ડિપાર્ટમેન્ટ માટે 14 કરોડથી વધુની કિંમતનાં મશીન એવાં છે, જે વિદેશથી મગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત બેડશીટથી લઈને વેન્ટિલેટર સહિતની ક્વોલિટી સાથે જરાપણ બાંધછોડ કરવામાં આવી નથી. અહીં દર્દી નારાયણની સેવા જ મુખ્ય ઉદ્દેશ હોવાનું ડો. બોઘરાએ જણાવ્યું હતું.

300નો સ્ટાફ દર્દીની સારવારમાં ખડેપગે રહેશે
ફુલટાઈમ ડોક્ટર તરીકે ગાયનેક તથા આબ્સ., સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસિન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરપી કાર્યરત રહેશે. જ્યારે વિઝિટિંગ સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ તરીકે નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, રુમેટોલોજી, યુરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી, ગેસ્ટ્રોલોજી, ક્રિટિકલ કેર સહિતના વિભાગીય નિષ્ણાતો દરરોજ ત્રણ કલાક ઉપસ્થિત રહેશે. એકંદરે કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેશે. હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

ક્રિટિકલ કેરમાં રોજનું 250 રૂપિયા ભાડું
હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ જણાવ્યું હતું કે 40 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ હોસ્પિટલમાં દર્દી પ્રવેશ કરશે ત્યારે તેને કોઈ નામાંકિત ખાનગી હોસ્પિટલમાં આવ્યાનો અહેસાસ થશે. જોકે અહીં સારવાર બાદ થનારો ખર્ચ અત્યંત પરવડે એવો રાખવામાં આવ્યો છે. અન્ય હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી માટે દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે ત્યારે અહીં માત્ર 40થી 60 હજારમાં જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી રોજનું રુ. 250, જનરલ વોર્ડના દર્દી પાસેથી રોજનું રુ. 150 ભાડું જ વસૂલાશે.