રાજકોટ જિલ્લામાં 10થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પૈકી માત્ર શહેરી વિસ્તારમાં જ પતંગની દોરીઓથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે 15 કેન્દ્ર અને કંટ્રોલરૂમ ઊભા કરાયા છે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 2200 પક્ષીઓ ઘાયલ થયા હતા જે પૈકી 95 ટકાને બચાવી લેવાયા હતા. આ વર્ષે ઘાયલ પક્ષીઓનો આંક ઘટે તે માટે જાગૃતિ જરૂરી છે.
લોકોએ સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 બાદ પતંગ ઉડાડવાનું ટાળવું જોઈએ કારણ કે આ જ સમયે પક્ષીઓ આકાશમાં પોતાના માળાથી નીકળતા હોય છે તેમજ પરત ફરતા હોવાથી મૂવમેન્ટ વધારે હોય છે અને ઘાયલ થવાની શક્યતા વધારે છે. આ ઉપરાંત તુક્કલ અને ચાઈનીઝ દોરી કે જે હકીકતે સિન્થેટિક દોરી છે અને હવે સ્થાનિક ઉત્પાદન પણ થાય છે તેનો ઉપયોગ ટાળવા અને જો કોઇ કરતો હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે.
આ ઉપરાંત શહેરમાં રેસકોર્સ અને મહિલા કોલેજમાં ચબૂતરાઓમાં કેટલાક તત્ત્વો સંક્રાંત દરમિયાન બોમ્બ ફોડીને પક્ષીઓને ઉડાડી તેમની પાંખો કાપવાની વૃત્તિ કરતા હોય છે તેવી ફરિયાદ મળતા બંદોબસ્ત મૂકવા પણ વિચારણા કરાઈ છે. જે કોઇને પણ ઘાયલ પક્ષી દેખાય તેઓએ હેલ્પલાઈન નંબર 1962 અથવા તો શહેરમાં ઊભા કરાયેલા વિવિધ કંટ્રોલરૂમનો સંપર્ક કરવા જણાવ્યું છે.
રાજકોટ શહેરમાં આ સ્થળોએ કંટ્રોલરૂમ
14 સંસ્થાના 100થી વધુ સ્વયંસેવકો જોડાશે
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, કરુણા અભિયાનમાં વહીવટી તંત્ર ઉપરાંત વિવિધ 14 સંસ્થા જોડાઈ છે. આ ઉપરાંત 100થી વધુ સ્વયંસેવકો પણ છે હજુ પણ લોકો સેવા માટે આગળ આવે તે માટે પ્રયત્ન થઇ રહ્યા છે. રાજ્યભરમાં 700 પક્ષીનિદાન કેન્દ્ર, 620થી વધુ તબીબો અને 6000 સ્વયંસેવકો કરુણા અભિયાનમાં જોડાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.